Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

UPSCના ચેરમેન બનતા ડો.મનોજ સોની

સૌથી સિનિયર સભ્‍ય, રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદજી વિદેશથી પરત આવ્‍યા બાદ અધ્‍યક્ષપદે કાયમી નિયુકિત થશે

અમદાવાદઃ યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેન પદે ડો મનોજ સોનીની નિમણૂંક કરવામાં આવી હતી. તેઓ પ્રથમ ગુજરાતી છે, જેમણે આ હોદ્દો સંભાળ્‍યો છે. તેઓએ અગાઉના અધ્‍યક્ષ -દીપ કુમાર જોશીનું સ્‍થાન લીધુ છે. 

UPSCમા મનોજ સોની સૌથી સિનિયર સભ્‍ય છે. ભારતના રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ હાલમાં નેધરલેન્‍ડના પ્રવાસે છે આથી તેઓ સ્‍વદેશ પરત આવ્‍યા બાદ અધ્‍યક્ષપદે કાયમી નિયુક્‍તિ થશે. સભ્‍ય તરીકે ડો.સોનીની મુદ્દત જૂન ૨૦૨૩માં પૂર્ણ થાય છે, પરંતુ ચેરમેનપદે કાયમી નિયુક્‍તિ બાદ તેમને વધુ ૫ વર્ષ અર્થાત જૂન ૨૦૨૮ સુધીનો સમય મળી શકે છે.

૧૭ ફેબ્રુઆરી, ૧૯૬૫માં જન્‍મેલા મનોજ સોની હાલ યુપીએસસીના સભ્‍ય છે. ડો.મનોજ સોની વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સૌથી યુવા વાઈસ ચાલ્‍સેલર રહી ચૂકયા છે. આ સિવાય તેઓ ૨૦૦૯ થી ૨૦૧૫ સુધી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઈસ ચાન્‍સેલર રહી ચૂકયા છે.

ઇન્‍ટરનેશનલ રિલેશન સ્‍ટડીઝમાં વિશેષતા સાથે પોલિટિકલ સાયન્‍સના વિદ્વાન ડૉ મનોજ સોનીએ સોનીએ વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ૧૯૯૧ અને ૨૦૧૬ વચ્‍ચે ઇન્‍ટરનેશનલ રિલેશન્‍સનો અભ્‍યાસ કરાવ્‍યો છે.

ડો.મનોજ સોની ભૂતકાળમાં ઉચ્‍ચ શિક્ષણ અને જાહેર વહીવટની અનેક સંસ્‍થાઓના બોર્ડ ઓફ ગવર્નન્‍સમાં સેવા આપી ચૂકયા છે. તેઓ ગુજરાત વિધાનસભાના અધિનિયમ દ્વારા રચાયેલી અર્ધ-ન્‍યાયિક સંસ્‍થાના સભ્‍ય પણ રહ્યા હતા.

અગાઉ ૧૨ મે, ૨૦૧૫ના રોજ પ્રદીપકુમાર જોશીની યુપીએસસીના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જેમનો કાર્યકાળ ૪ એપ્રિલ, ૨૦૨૨ના રોજ પૂરો થયો હતો. હવે  ડો. મનોજ સોની તેમનું સ્‍થાન લેશે.

(2:45 pm IST)