Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

માસ્‍ક ન પહેરનારા લોકો પ્રત્‍યે પોલીસનું કૂણું વલણ : દંડ લેતી નથી

નરમ વલણ દાખવવાની પોલીસને અપાઇ છે સૂચના

અમદાવાદ તા. ૮ : કોરોના મહામારી ફાટી નીકળ્‍યા બાદ ૨૪ જૂન, ૨૦૨૦દ્ગક્ર રોજ કડક રીતે માસ્‍કનો નિયમ લાગુ કર્યા બાદ બુધવારે પહેલીવાર શહેર પોલીસે ઉલ્લંઘનનો એક પણ કેસ નોંધ્‍યો નહોતો. કોરોના વાયરસમાં ઘટાડો થતાં અને આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેથી માસ્‍ક વગર ફરતા લોકો સાથે પોલીસ કડક વલણ દર્શાવશે નહીં, તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું. મહારાષ્ટ્ર, દિલ્‍હી અને તેલંગાણામાં પહેલાથી જ માસ્‍કનો નિયમ હટાવી લેવામાં આવ્‍યો છે. ‘રાજ્‍યના ગૃહ વિભાગ અને આરોગ્‍ય વિભાગે હજી પણ નિયમમાં સંપૂર્ણ છૂટછાટ અંગે નિર્ણય લેવાનો બાકી હોવાથી પોલીસને લોકો પ્રત્‍યે કૂણું વલણ દાખવવાની સૂચના આપવામાં આવી છે', તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે, શહેરમાં માર્ચ મહિનામાં કોવિડ-૧૯ના સરેરાશ ૧૮ કેસ નોંધાયા હતા, જે એપ્રિલના પહેલા અઠવાડિયામાં ઘટીને ચાર કેસ થઈ ગયા હતા. માર્ચમાં માસ્‍કના નિયમના ઉલ્લંઘનના સરેરાશ ૫૦ કેસ નોંધાયા હતા, જે એપ્રિલમાં ઘટીને ચાર થઈ ગયા હતા. પોલીસે લગભગ એક મહિનાથી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટ, એપિડેમિક ડિસીઝ એક્‍ટ અને કોવિડ-૧૯ રેગ્‍યુલેશન એક્‍ટ, ૨૦૨૦ હેઠળ લોકો સામે ગુનો નોંધવાનું પણ પોલીસે બંધ કરી દીધું છે, તેમ પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું.

જયારે જાન્‍યુઆરીમાં કોવિડ-૧૯ના કેસ ફરીથી વધ્‍યા ત્‍યારે પોલીસ કર્મચારીઓ નિયમિત આશરે ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા લોકો પાસેથી દંડ લેતા હતા. ફેબ્રુઆરીમાં કેસ ઘટતા, માસ્‍ક નિયમ ઉલ્લંઘનના કેસ પણ ઘટ્‍યા હતા. માસ્‍ક ન પહેરવા બદલનો દંડ પહેલા ૧૦૦થી ૫૦૦ રૂપિયા અને બાદમાં ૧ હજાર કરવામાં આવ્‍યો હતો.

ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્‍યું હતું કે, અમારો અભિગમ માસ્‍ક ફાઈન ડ્રાઈવને કોવિડ ૧૯ના કેસની સંખ્‍યા સાથે લિંક કરવાનો છે. જયારે પણ કેસ વધે છે, ત્‍યારે અમે ડ્રાઈવ યોજીએ છીએ અને ઉલ્લંઘનકારોને દંડ ફટકારીએ છીએ. જયારે કેસમાં ઘટાડો થાય છે, ત્‍યારે માસ્‍ક દંડમાં પણ ઘટાડો થાય છે. કેટલાક સ્‍થળ પર તો પોલીસ નિયમનું ઉલ્લંઘન કરનારા પાસેથી દંડ પણ લેતી નથી.

(1:26 pm IST)