Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

ગુજરાતની એકેય યુનિવર્સિટી છેલ્લા ૨૦ વર્ષમાં દેશમાં ૧ થી ૧૦૦ ક્રમમાં આવી નથી : અર્જુનભાઇ

શિક્ષણ સુધારવાના બદલે ગુજરાત છોડીને જતા રહેવાની ધમકી આપવા બદલ જીતુ વાઘાણી માફી માંગે

 

 

ગાંધીનગર તા. ૮ : રાજયમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા, માળખાકીય સવલતો વધારવા કે પૂરતા શિક્ષકો નીમવાને બદલે રાજયના બાળકોને બીજા દેશ કે રાજયમાં ચાલ્‍યા જવાની રાજયના શિક્ષણ મંત્રીશ્રી જીતુ વાઘાણીની ધમકી આપવી એ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને સારા ગુણવત્તાયુક્‍ત શિક્ષણ માટે આતુર લાખો વાલીઓ, બાળકો અને યુવાનો માટે તિરસ્‍કારભર્યું હોવાનું જણાવીને ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ભારતીય જનતા પાર્ટી પાસે શિક્ષણ મંત્રીશ્રીનું રાજીનામું લઈ લેવા તેમજ વાલીઓ, બાળકો અને યુવાનોના અપમાન બદલ માફી માગવાની માંગણી કરી હતી.

અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ૧ શિક્ષકથી ચાલતી ૭૦૦ પ્રાથમિક શાળાઓ છે. રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૯ હજાર ઓરડાઓ અને ૨૮ હજાર શિક્ષકોની ઘટ છે. હજારો શાળાઓમાં કોમ્‍પ્‍યુટરો નથી અને જયાં કોમ્‍પ્‍યુટરો છે ત્‍યાં કોમ્‍પ્‍યુટરો શીખવવા માટેના નિષ્‍ણાત શિક્ષકો નથી. શાળાઓમાં રમતગમતના મેદાન કે પીવાના પાણીની વ્‍યવસ્‍થા નથી, સફાઈ કરાવવાની વ્‍યવસ્‍થા નથી. શિક્ષકો પાસે બાળકોને ભણાવવાના કામને બદલે ઢોર-કુતરાં ગણવાથી શરૂ કરીને ભાજપના રાજકીય કાર્યક્રમોમાં કે સરકારી મેળાવડાઓમાં ભીડ ભેગી કરવાનું કામ કરાવવામાં આવી રહ્યું છે.

આવી જ હાલત સરકારી અને ગ્રાન્‍ટવાળી માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ અને કોલેજોની છે. આવી શાળા-કોલેજોમાં શિક્ષકો/અધ્‍યાપકોની ખાલી પડેલ જગ્‍યાઓ પર ભરતી કરાતી નથી. શાળા-કોલેજોમાં નોન ટીચીંગ સ્‍ટાફ, લાયબ્રેરીયન કે રમતગમતના શિક્ષકોની વર્ષોથી ભરતી બંધ છે. ગ્રાન્‍ટવાળી અને સરકારી શાળા-કોલેજોના શ્વાસ રૂંધીને મારી નાંખીને બંધ કરવાની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની સરકાર ૨૭ વર્ષથી કરી રહી છે. રાજયની પ્રવાસી શિક્ષકો નીમવાની નીતિએ આપણી શિક્ષણ વ્‍યવસ્‍થામાં વિદ્યાર્થીઓને પ્રવાસી બનાવી દીધા છે !

ગુજરાતની યુનિવર્સિટીઓમાં એક વખતે ઉમાશંકર જોષી, ડો. પી. સી. વૈદ્ય, યશવંત શુક્‍લ, સુરેશ દલાલ, પ્રો. એન. આર. દવે જેવા કુલપતિઓની નિમણુંક થતી હતી પરંતુ ભાજપના રાજમાં આરએસએસ બેકગ્રાઉન્‍ડવાળા, લાયકાત વગરના લોકોની યુનિવર્સિટીઓના કુલપતિ તરીકે નિમણુંક કરીને યુનિવર્સિટીના શિક્ષણને ખાડે લાવી દીધું છે. અમુક લાગવગીયા અને વેપારી તત્ત્વોને ખાનગી યુનિવર્સિટીઓ આપીને આવી યુનિવર્સિટીઓને ડીગ્રી અને પીએચ.ડી.ની પદવીઓનો વેપાર કરવાનો પીળો પરવાનો આપી દેવામાં આવ્‍યો છે.

અર્જુનભાઇએ આક્ષેપ કરેલ કે વેપાર કરવાના હેતુથી ખાનગી શાળા-કોલેજોનો રાફડો ફાટયો છે. જે ગુજરાતના બાળકો અને યુવાનોનું આર્થિક અને માનસિક શોષણ કરે છે. એક વખત ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, સરકારી કૃષિ યુનિવર્સિટીઓ જેવી આપણી યુનિવર્સિટીઓનું નામ સમગ્ર દેશમાં ગૌરવથી લેવાતું હતું પરંતુ છેલ્લા બે દસકામાં આપણી એક પણ યુનિવર્સિટી દેશમાં ૧થી ૧૦૦ સુધીના ક્રમમાં આવતી નથી. આવી જ હાલત આપણી મેડીકલ અને એન્‍જિનિયરીંગ કોલેજોની છે. ત્‍યાં પણ ગુણવત્તાના નામે મીંડું છે. શિક્ષકો અને માળખાકીય સગવડતાઓના અભાવે વિદ્યાર્થીઓનો ભોગ લેવાય છે.

શિક્ષણ મંત્રીશ્રીએ દેશના રાજસ્‍થાન, પંજાબ, કેરાલા સહિતના દક્ષિણના રાજયોની શિક્ષણ વ્‍યવસ્‍થા તપાસીને તથા કોંગ્રેસના શાસનના ૧૯૯૫ પહેલાંના ગુજરાત રાજયની પ્રાથમિક-માધ્‍યમિક-યુનિવર્સિટી કક્ષાના શિક્ષણની વ્‍યવસ્‍થાનો અભ્‍યાસ કરીને આપણી શિક્ષણ વ્‍યવસ્‍થામાં સુધારો કરવાની વાત કરીને બજેટમાં યોગ્‍ય જોગવાઈ કરી હોત તો આપણા બાળકો-યુવાનોને ખાનગી શાળા-કોલેજોમાં ભણવા જવા મજબુર બનવું ન પડત.

૧૯૯૫ પહેલાં રાજયમાં તમામ યુનિવર્સિટીઓમાં ઉત્તમ અને ગુણત્તાવાળા કુલપતિઓ અને શિક્ષકો નીમાતા હતા, કોલેજોમાં લાયબ્રેરીયન અને રમતગમતના શિક્ષકો અને વહીવટી સ્‍ટાફ નીમાતો હતો તથા પૂરતા અને લાયકાતવાળા પ્રોફેસરો નીમાતા હતા. પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં નિયમિત રીતે શિક્ષકોની ભરતી થતી રહેતી હતી. દર વર્ષે સેંકડો ગ્રાન્‍ટવાળી શાળા-કોલેજોને મંજૂરી મળતી હતી. ૧૯૯૫ પહેલાં રાજયની ઓછી આવક છતાં શિક્ષકો/અધ્‍યાપકોની ભરતીમાં અને શિક્ષકોને પૂરો પગાર આપવામાં ક્‍યાંય નાણાંકીય મુશ્‍કેલીઓ આવતી નહોતી અને પ્રવાસી શિક્ષકો જેવી પ્રથા હતી જ નહીં.

૨૭ વર્ષમાં ભાજપની સરકારે શિક્ષણમાં દેવાળું કેમ કાઢયું તેના ઉપર પીએચ.ડી.ના અનેક થીસીસ લખાય તેવો વહીવટ ભાજપ સરકારે કર્યો છે તેમ અર્જુનભાઇ જણાવે છે.

(1:01 pm IST)