Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

ઘરેલું હિંસાના કેસમાં પત્‍નિ-પુત્રીને ભરણ પોષણ-ઘરભાડુ વિગેરે ચૂકવવા પતિને આદેશ

ગોંડલની કોર્ટ દ્વારા અપાયેલ મહત્‍વનો ચૂકાદો

રાજકોટ તા. ૮ :.. ઘરેલું હિંસાના કેસમાં પત્‍નિને અને પુત્રીને ભરણ પોષણ સાથે ઘરભાડુ અને લાઇટ બીલની ચુકવણી કરવા માટે પતિનો આદેશ કરતો ગોંડલ કોર્ટે મહત્‍વ પુર્ણ ચુકાદો આપેલ હતો.

આ કેસની હકિકત મુજબ દર્શનાબેન સંદીપભાઇ જોષી ગોંડલવાળાએ ગોંડલની કોર્ટમાં તેમના પતિ સંદિપભાઇ ભાનુભાઇ જોષી રહે. ઇન્‍દ્રપ્રસ્‍થ સોસાયટી રાજકોટ તથા તેમના સસરા ભાનુભાઇ જોષી અને વીરાબેન જોષી સામે ઘરેલું હિંસાથીસ્ત્રીઓનું રક્ષણના કાયદા તળે ફરીયાદ અરજી રજૂ કરેલ હતી. જે ફરીયાદ અરજી મુજબ સંદિપભાઇ ભાનુભાઇ જોષીના લગ્ન દર્શનાબેન સાથે ચાલુ હોય તેમ છતાં સંદિપભાઇએ વીરાબેન સાથે મૈત્રી કરાર કરી તેમને પત્‍નિનો દરજજો આપેલ હોય જે સંબંધથી એક પુત્રી સંતાન પણ હોય તેમજ સામાવાળા સંદિપભાઇએ વિના કારણે દર્શનાબેન અને તેમની પુત્રીનો ત્‍યાગ કરેલ હોય લગ્ન સિવાય અન્‍ય સંબંધ રાખેલ હોય જેથી તેમની સામે ગોંડલની કોર્ટમાં ફરીયાદ અરજી રજુ કરેલ હતી.

આ કામે કેસ ચાલી જતા ગોંડલના અધિક ચીફ જયુ. મેજી. કોર્ટ દ્વારા કોર્ટ સમક્ષ દર્શનાબેન જોષીના વકીલ જીજ્ઞેશ જી. પઢીયાર દ્વારા જે જે પુરાવા રજૂ કરવામાં આવેલ હતા અને આવા કિસ્‍સામાં હાઇકોર્ટ દ્વારા જે ચુકાદાઓ આપવામાં આવેલ તે રજૂ કરવામાં આવેલ જે તમામ પુરાવો તથા કેસની હકિકત ધ્‍યાને લઇ ગોંડલ કોર્ટ દ્વારા દર્શનાબેનની તરફેણમાં ચૂકાદો જાહેર કરવામાં આવેલ જે મુજબ સંદિપભાઇ જોષીએ તેમના પત્‍નિ દર્શનાબેનને અરજી તારીખથી ઘરભાડુ અને ઇલેકટ્રીક શુલ્‍કના માસિક રૂા. પ૦૦૦ તથા ભરણ પોષણના માસિક રૂા. પ૦૦૦, અને પુત્રી હેતને પાંચ વર્ષ સુધી રૂા. રપ૦૦ તથા માનસીક યાતના ભોગવવી પડેલ હોય તેના વળતર પેટે રૂા. ર૦,૦૦૦ અલગથી ચુકવી આપવા માટે આદેશ કરેલ છે.

આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના એડવોકેટ જીજ્ઞેશ જી. પઢીયાર, દિપેશ ડી. અંધારીયા, જગદીશ એન. વાઢેર, કૃષ્‍ણરાજસિંહ આર. રાયજાદા, નિલેશ કુરીયા વિગેરે રોકાયેલ હતાં.

(11:58 am IST)