Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

ભાજપ સરકાર શિક્ષણની સારી સુવિધા ન આપી શકી તેની સામે ખાનગી શાળાઓ બેફામ ખુલી : ઇશુદાન ગઢવી

જીતુભાઇ વાઘાણીના નિવેદન સામે પ્રહારો કરતા પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતા

રાજકોટ તા. ૮: શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાધાણી દ્વારા ‘જેને ગુજરાતનુ શિક્ષણ સારુ ના લાગતુ હોય તો અન્‍ય રાજય કે વિદેશ અભ્‍યાસ માટે જતા રહેવુ' જેવા બેજવાબદાર નિવેદન મુદ્દે AAP ના નેતાᅠ ઇશુદાન ગઢવીએ મીડીયાને સંબોધન કરતા જણાવ્‍યું હતું કે,ગતરોજ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ એવું નિવેદન કર્યું કે ગુજરાતમાં શિક્ષણની સુવિધા સારી નથી અહીંયા શાળા સારી નથી અને અહીંયા તો કચરો છે. અને જો તમારે સારું શિક્ષણ જોઈતું હોય તો ગુજરાત બહાર ભાગો કઈ તો દેશ બહાર ભાગી જાઓ.
આ નિવેદનથી વાધાણી એ વિદ્યાર્થીઓ અને વાલીઓનું અપમાન કર્યું છે, અને આજે ૨૭ વર્ષ માં ભાજપ પોતાના ૫ કામ પણ ગણાવી નથી શકતી. આજે જેમની જે પણ યુવાન ની ઉંમર ૩૨ વર્ષ ની હશે એ સ્‍કૂલમાં હશે ત્‍યારથી ભાજપની સત્તા છે અને તમે વિદ્યાર્થીઓ ની સુવિધાઓ પુરી ના પાડી શક્‍યા એટલે એમને રાજય અને દેશ છોડીને બહાર જવું પડે છે, એમને ઉચ્‍ચશિક્ષણ માટે દેશ બહાર જવું પડે છે.
AAP ના નેતાᅠ ઇશુદાન ગઢવીએ વધુમાં જણાવ્‍યું કે આજે ગુજરાતમાં શિક્ષણ તળિયા હેઠળ આવી ગયું છે, ૭૦૦ સ્‍કૂલ એવી છે જેમાં એક પણ શિક્ષક નથી, અને મઘ્‍યમ વર્ગ પાસે એટલા રૂપિયા નથી કે તે આટલા રૂપિયા આપીને ભણી શકે. તમે એમને ધમકી આપો છો ? ૧૮૦૦૦ ઓરડા ની ઘટ છે ભણવું હોય તો ભણો બાકી રાજય અને દેશ છોડી ને જતા રહો એવી ધમકી આપો છો ?આજે ગુજરાતમાં બધી જગ્‍યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષણમંત્રી ના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે.૧.૫ કરોડ જેટલા વાલીઓ ને દુઃખ પહોંચ્‍યું છે , તમે શિક્ષણની સારી સુવિધા તો આપી શક્‍યા નથી અને એની સામે ખાનગી શાળાઓ બેફામ ખુલી છે.
ઇશુદાન ગઢવીએ વધુમાં જણાવ્‍યું કે,અમે જોયું છે વારે વારે ભાજપ દ્વારા એવું કહેવામાં આવે છે શિક્ષણ ઉપર રાજનીતિ ના થાય તો મારો પ્રશ્ર્ન એ છે કે સ્‍કૂલ થી માંડી ને કોલેજો થી લઈને યુનિવર્સિટીઓ બધી ભાજપ ની છે એમાં કોઈ બોલે તો એમાં એવું કેવાનું કે એ દેશ સેવા છે, અને આમ આદમી પાર્ટી જયારે સારા શિક્ષણ અને સારી સ્‍કૂલ ની વાત કરે તો એમાં રાજકારણ આવી ગયું?આજે સ્‍કૂલ, કોલેજો અને યુનિવર્સિટીઓ ભાજપ ના નેતાઓ ની છે, ખાનગી શાળાઓ ભાવ વધારો કરે એનાથી તમને કોઈ જ વાંધો નથી.ત્‍યારે આ બધું જોતા દિલ્‍હીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયાજી એ ટ્‍વીટ કરીને ગુજરાતના વાલીઓ ને અને વિદ્યાર્થીઓ ને આશ્વાશન આપ્‍યું છે કે ભલે તમને ગુજરાત છોડવાની ધમકી આપી છે ગુજરાત શિક્ષણ મંત્રીએ પરંતુ કોઈએ ગુજરાત છોડવાની જરૂર નથી, ૮ મહિના પછી તમારી સૌની પોતાની સરકાર આમ આદમી પાર્ટી ની સરકાર આવશે અને દિલ્‍હી મોડેલ માં જેમ સારું શિક્ષણ આપીયે છે એવુ જ અહીંયા ગુજરાતમાં પણ આપીશુ.
આજે મારે દુઃખ સાથે કેહવું છે કે આજે ભાજપના મોટા નેતાઓ, આગેવાનો, સ્‍કૂલ સંચાલકો ચૂપ છે પરંતુ આજે મીડિયાના માધ્‍યમથી અમે કહેવા માંગીએ છે કે કોઈને ડરવાની જરૂર નથી, કઈ તકલીફ પડે તો આમ આદમી પાર્ટી તમારી સાથે છે . ૮ મહિના પછી આમ આદમી પાર્ટી ની સરકાર આવશે અને સારૂં શિક્ષણ પૂરુંᅠ પાડશે. તેમ યોગેશ જાદવાણી પ્રવક્‍તા ્રૂ મીડીયા કન્‍વિનર AAP, ગુજરાત એ જણાવ્‍યું છે.

 

(11:36 am IST)