Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

વેપારીઓ માટે ખાદ્યતેલ-તેલિબીયાની ૫૦ મેટ્રિક ટનની સ્‍ટોક લિમિટ વધારીને ૮૦ મેટ્રિક ટન કરવી જરૂરી

પ્રોસેસરો-નિકાસકારો અને આયાતકારો માટે સ્‍ટોક લિમિટ બરાબર છે પણ : ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠને કેન્‍દ્રને લખ્‍યો પત્ર : વેપારીઓને બીનજરૂરી કનડગત નહિ કરવાના રાજ્‍યોને આદેશો આપવા માંગણી

રાજકોટ,તા. ૮ : ગુજરાત રાજ્‍ય ખાદ્યતેલ અને તેલિબીયા સંગઠનના પ્રમુખ સમીરભાઇ શાહે કેન્‍દ્રના ખાદ્ય અને ગ્રાહક બાબતોના સચિવને એક પત્ર લખ્‍યો છે જેમાં તેમણે જણાવ્‍યુ છે કે, ખાદ્યતેલોમાં ભાવધારાના કારણે કેન્‍દ્ર સરકારે ખાદ્યતેલ અને તેલીબીયાના વેપારમાં સ્‍ટોક પર નિયંત્રણો મુકેલા છે.

આપના ધ્‍યાનમાં એ વાત હશે જ કે આપણો દેશ આપણી ખાદ્યતેલની જરૂરિયાતના ૬૫ ટકા અન્‍ય દેશોમાંથી આયાત કરે છે. એટલે આપણા બજારમાં ખાદ્યતેલના ભાવોનું સ્‍તર પેટ્રોલીયમ પ્રોડકટસની જેમ જ આંતરરાષ્‍ટ્રીય બજાર આધારિત છે. એટલે જ્‍યાં સુધી ખાદ્યતેલના ભાવો આંતરરાષ્‍ટ્રીય બજારમાં નહીં ઘટે ત્‍યાં સુધી આપણા દેશમાં પણ નથી ઘટવાના.

આ તથ્‍યને જાણવા છતાં સરકારે ખાદ્યતેલના વેપારમાં સ્‍ટોક લીમીટ અમલી બનાવી છે. અમે સમજી શકીએ છીએ કે તે અમુક હદ સુધી જરૂરી હતુ અને આ એક રાજકીય નિર્ણય છે. આ પગલુ તેલીબીયા અને ખાદ્યતેલનો સંગ્રહ રોકવા માટે છે.

હવે ખરેખર આ સંગ્રહ એટલે શું ? જ્‍યાં સુધી અમે જાણીએ છીએ જો કોઇ કંપની આવી ચીજોને લાંબા સમય સુધી મોટા પ્રમાણમાં સ્‍ટોર કરી રાખે અને બહુ થોડી અથવા બીલકુલના વેચે અને તે પણ લાંબા સમય માટે તો તેને સંગ્રહ કહેવાય.

આ ધંધા સાથે જોડાયેલા મોટાભાગના પ્રોસેસર અથવા વેપારી ઉપરોકત વસ્‍તુ નથી કરતા. તેઓ રોજેરોજની જરૂરિયાત મુજબ ખરીદે અને વેચે છે. તેમની મુખ્‍ય પ્રાથમિકતા વધુને વધુ ગ્રાહકો મેળવવાની અને વધુમાં વધુ વેચાણ કરવાની હોય છે. કોરોના મહામારી અને તે વખતની છટણીના કારણે લગભગ બધી સંસ્‍થાઓની નાણાકીય તાકાતને અસર થઇ છે. બજારમાં ખાદ્ય તેલોની ઘણી વેરાયટી મળે છે. ખાદ્ય તેલની વિવિધ વેરાયટીમાં પણ વિભીન્‍ન પેકીંગ જે ૧૫ કિલો/૧૫ લીટરના ડબ્‍બાથી માંડીને ૫૦૦ એમએલની બોટલ/ પાઉચમાં મળતા હોય છે. આ ઉપરાંત દરેક ખાદ્ય તેલમાં પણ ઘણી બ્રાન્‍ડ છે. એટલે વેપારી નથી જાણતો હોતો કે ગ્રાહક કયારે અને કઇ પ્રોડકટ માંગશે. ગ્રાહકની જરૂરિયાતને પુરી કરવા માટે તેણે ખાદ્યતેલની વિભિન્‍ન બ્રાન્‍ડના બધા પ્રકારના પેકીંગ રાખવા પડતા હોય છે. એટલે સ્‍વાભાવિક રીતે જ તેની પાસેનો કુલ સ્‍ટોક વધી શકે છે. પણ આ વધારે સ્‍ટોક હોવાનું કારણ દરેક પ્રકારના ગ્રાહકની માંગ સંતોષવાનું છે, સંગ્રહખોરી નહીં.

બીજું, કયારેક અચાનક માંગમાં ઘટાડો થાય અથવા ટ્રાન્‍સપોર્ટ વાહન ના મળી શકે અથવા તો કયારે ધારણા હોય તેના કરતા વધારે જગ્‍યાઓએથી માલ આવી જાય તો સ્‍ટોક લીમીટ કરતા વધી જાય. પણ આ બધી હંગામી સ્‍થિતી હોય છે અને બે દિવસમાં તે થાળે પડી જતુ હોય છે. આને સંગ્રહખોરી ના કહી શકાય. આવા કેસોમાં  સંબંધિત સત્તાવાળઓ દ્વારા કોઇ પગલાઓના લેવાવા જોઇએ.

અમારે ચોક્કસ સ્‍વીકારવું પડે છે કે અત્‍યાર સુધી સંબંધિત વિભાગોનું વલણ બહુ પ્રેકટીકલ અને યોગ્‍ય રહ્યુ છે. અમે આપને બધા રાજ્‍યોના સંબંધિત વિભાગોને આવી જ રીતે પ્રેકટીકલ રહેવા આ વેપાર સાથે સંકળાયેલ લોકોને બીન જરૂરી હેરાનગતિ ના કરે તેવા નિર્દેશ આપવા વિનંતી કરીએ છીએ.

પ્રોસેસરો, નિકાસકારો અને આયાતકારો માટે નક્કી કરાયેલ સ્‍ટોક લીમીટ તો બરાબર છે પણ અમને લાગે છે કે વેપારીઓ માટેની ૫૦ મેટ્રીક ટનની લીમીટ થોડી ઓછી છે. અમે આપને આ લીમીટ વધારીને ૮૦ મેટ્રીક ટન કરવા વિનંતી કરીએ છીએ.

(10:45 am IST)