Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

એક ગૃહિણીની વ્‍યથા, ‘મારા પતિનો પગાર ન વધ્‍યો, પણ દરેક વસ્‍તુના ભાવ વધ્‍યા, સ્‍થિતિ આટલી કફોડી ક્‍યારેય નહોતી બની'

દૂધ, શાકભાજી પેટ્રોલના સતત વધતા જતા ભાવના કારણે ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે : મધ્‍યમ વર્ગના પરિવારની સ્‍થિતિ ન સહેવાય એવી થઈ ગઈ છે

અમદાવાદ તા. ૮ : દૂધ, શાકભાજી પેટ્રોલના સતત વધતા જતા ભાવના કારણે ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે. મધ્‍યમ વર્ગના પરિવારની સ્‍થિતિ ન સહેવાય એવી થઈ ગઈ છે. માર્ચ મહિનામાં આવેલા નેશનલ સ્‍ટેટેસ્‍ટિક ઓફિસના આંકડાઓ મુજબ ફેબ્રુઆરીમાં જ ખાદ્ય તેલ જેવા ઉત્‍પાદનોની ખરીદીથી સામાન્‍ય જનતાના બજેટ પર સૌથી મોટી અસર પડી છે. ગત વર્ષની સરખામણીએ ખાદ્ય તેલની મોંઘવારીનો દર ૧૬.૪૪ ટકા રહ્યો છે. સાથે જ શાકભાજી, દૂધ, કઠોળ, દાળના ભાવમાં પણ વધારો થયો છે. મોદી પરિવારના ઉષાબેન ગૃહિણી છે. તેમનું કહેવું છે કે, મોંઘવારી વધી છે પરંતુ તેમના પતિના પગારમાં વધારો નથી થયો. જેથી તેમના માટે ઘર ચલાવવું મુશ્‍કેલ બન્‍યું છે.
મોંઘવારીમાં દરેક વસ્‍તુના વધતા ભાવ એક તરફ લોકોની ચિંતાનું કારણ બની રહ્યાં છે, ત્‍યારે મધ્‍યમવર્ગીય પરિવારની સ્‍થિતિ તો જાણે વેઠાય ન રહેવાય જેવી બની છે. માર્ચ મહિનામાં આવેલા નેશનલ સ્‍ટેટેસ્‍ટિક ઓફિસના આંકડાઓ મુજબ, ફેબ્રુઆરીમાં જ ખાદ્ય તેલ અને વસાણા જેવા ઉત્‍પાદનોની ખરીદીએ સામાન્‍ય જનતાના બજેટ ઉપર સૌથી ઊંડી અસર વર્તાવી છે. ગત વર્ષની સરખામણીએ ખાદ્ય તેલની મોંઘવારીનો દર ૧૬.૪૪ ટકા રહ્યો છે.
ખાદ્ય તેલના ભાવ પાછલા ૧૧ વર્ષના ઉચ્‍ચતમ સ્‍તર ઉપર પહોંચી ચૂકી છે. ૨૦૨૦ માં જે ખાદ્ય તેલના પ્રતિલીટર દીઠ ભાવ ૯૦-૧૦૦ રૂપિયા હતા, તે જૂન ૨૦૨૧ સુધીમા ૧૫૦-૧૬૦ રૂપિયા થયા હતા. અને હવે માત્ર ૯ મહિના બાદ જ ભાવ વધીને ૧૯૦-૨૦૦ રૂપિયા થઇ ચૂક્‍યો છે. માત્ર ખાદ્ય તેલ જ નહિ, પણ દરેક વસ્‍તુઓના ભાવ આમ જ વધ્‍યા છે. નિરંતર વધતી મોંઘવારીની સામે મધ્‍યમવર્ગી પરિવાર કઈ રીતે ગુજરાન ચલાવી રહ્યું છે એ જાણવા ઝી ૨૪ કલાકની ટીમ ન્‍યુ રાણીપમાં રહેતા ઉષા મોદીના ઘરે પહોંચ્‍યું. પાંચ વર્ષ પહેલા ઉષાબેનના લગ્ન અમદાવાદના એક પરિવારમાં થયા હતા. ગૃહિણી તરીકે પરિવારની જવાબદારી તેમના ઉપર આવી. પતિની આવક ૧૫૦૦૦ હોવાને કારણે મુશ્‍કેલથી ગુજરાન ચાલતું હતું. ઘરના રાશન પાછળ પહેલા ૩૦૦૦ રૂપિયા ખર્ચ થતા હતા, જે હવે ૫ હજાર થાય છે. પણ તેની સામે આવક હજી પણ ૧૫૦૦૦ રૂપિયા જ છે. ઉષાબેનનું કહેવું છે કે, કોરોના કાળમાં ઘરે બેસ્‍યા હોવા છતાંય આર્થિક સ્‍થિતિ આ હદે કફોડી ક્‍યારેય નથી બની, જેટલી આજે બની રહી છે.
આજે ઉષાબેન જેવી હાલત દરેક ગૃહિણીની છે, જે ઓછા રૂપિયામાં ઘર ચલાવે છે. ગૃહિણીઓ માટે એક એક રૂપિયો મહત્‍વનો હોય છે. જો કિચનનું બજેટ વધી જાય તો ગૃહિણીઓની બચત પર અસર પડે છે. સરવાળે હાથમાં કંઈ આવતુ નથી. જોકે, હવે તેમને ખર્ચા પર કાપ મૂકવા સિવાય કોઈ ઓપ્‍શન નથી રહ્યો.

 

(10:37 am IST)