Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

ગુજરાતમાં ૨૪% વસતીને બ્‍લડ પ્રેશર : ૨૫%માં કોલેસ્‍ટેરોલનું ઊંચું સ્‍તર

હૃદયની ધમની સાંકડી થવાની સમસ્‍યામાં ૬૦%નો વધારો : ૧૦% શહેરી વસ્‍તીને ડાયાબિટીસ : એક અભ્‍યાસમાં આવેલુ ચિંતાજનક તારણ

નવી દિલ્‍હી તા. ૮ : ગુજરાતમાં આઇશેમિક હાર્ટ ડિસિઝ તરીકે ઓળખાતી હૃદયની ધમનીઓ સાંકડી થવાની સમસ્‍યામાં ૬૦%થી વધુનો ચિંતાજનક વધારો થયો હોવાનું એક અભ્‍યાસમાં સામે આવ્‍યું છે. આ ઉપરાંત ગુજરાતમાં ડાયાબિટિસ, હાઇ બ્‍લડ પ્રેશરના કેસમાં પણ ચિંતાજનક વધારો થયો છે.
ઈન્‍ડિયન જર્નલ ઓફ ઓપ્‍થેલ્‍મોલોજીમાં રજૂ કરાયેલા ‘ભારતમાં ટાઈપ-૨ ડાયાબિટિસની બિમારી' ના અભ્‍યાસમાં જણાવાયું છે કે, ‘ગુજરાતમાં ૧૦ ટકા શહેરી વસતીમાં ડાયાબિટિસ જોવા મળે છે. ગુજરાતમાં પ્રી ડાયાબિટિસના કેસ લગભગ ૧૦.૨% હોવાની સાથે આખા રાજયમાં ડાયાબિટિસના વધુ કેસ નોંધાવવાની તૈયારી છે. ગુજરાતની ૨૨-૨૪ ટકા વસતીને હાઇ બ્‍લડ પ્રેશરનું નિદાન થયું છે જયારે ૨૫% વસતીમાં કોલેસ્‍ટેરોલનું સ્‍તર ખૂબ જ ઊંચું જોવા મળે છે.'
રાજયમાં આઇએચડીના કેસમાં ૬૦.૫%નો વધારો જોવા મળ્‍યો છે. તબીબોના મતે ગુજરાતમાં હૃદયના સ્‍વાસ્‍થ્‍ય અંગે ગંભીર પરિવર્તન લાવવા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૃરી છે. ડો. ધવલ નાયકે જણાવ્‍યું કે, ‘રાજ્‍યમાં લોકોની જીવનશૈલી હૃદયની બીમારીનું મુખ્‍ય કારણ છે. હૃદય બંધ થઇ જવા માટે ડાયાબિટિસ, હાઇપરટેન્‍શનનું યોગદાન સૌથી વધુ રહ્યું છે અને ગુજરાતમાં આ બંને બાબતો ચિંતાનું કારણ બની છે.' ગુજરાતમાં ૧૯૯૦થી ૨૦૧૬માં ૧ લાખની વસતીએ ૩૭૩૬ આઇએચડીથી પીડિત હતા જયારે સ્‍ટ્રોકના કેસમાં ૬૩.૧૦%નો વધારો થયો હતો.(૨૧.૬)

 

(10:33 am IST)