Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

અમદાવાદમાં સરકારી નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવતી ટોળકીનો એક સાગરિત ઝડપાયો

આરોપી મુસ્તફા શખાવા મુળ અમદાવાદના રિલીફ રોડનો રહેવાસી :દેહગામ ખાતે ચાલતી વિવેકાનંદ એકેડેમીના સંચાલકો સાથે મળી ઉમેદવારો સાથે છેતરપિંડી કરતો હતો

અમદાવાદ :ગુજરાત સરકારની નોકરીની ભરતીમાં પાસ કરાવવાના બહાને રૂપિયા પડાવતી ટોળકીનો વધુ એક સાગરીત ક્રાઈમ બ્રાંચની  ગિરફ્તમાં આવ્યો છે. જે આરોપીએ મુખ્ય આરોપીનું બનાવતી આઈકાર્ડ સહીત અન્ય બોગસ ડોક્યુમેન્ટ પણ બનાવ્યા હતા. જે માટે આરોપી 1 હજારથી 5 હજાર રૂપિયા લોકો પાસે પડાવતો હતો. જોકે આરોપીની ધરપકડ બાદ વધુ નવા ખુલાસા થશે. જેને લઈ ક્રાઈમ બ્રાંચ વધુ તપાસ કરી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ મુસ્તફા શખાવા છે. જે મુળ અમદાવાદના રિલીફ રોડનો રહેવાસી છે. પરંતુ દેહગામ ખાતે ચાલતી વિવેકાનંદ એકેડેમીના સંચાલકો સાથે મળી ઉમેદવારો સાથે છેતરપિંડી કરતો હતો. ઝડપાયેલ આરોપી મુસ્તફા તમામ બોગસ દસ્તાવેજો તૈયાર કરતો હતો. સાથે જ અગાઉ ઝડપાયેલ આ ટોળકીના મુખ્ય આરોપી હરિશ પ્રજાપતીનું પીએસઆઈના નામનું બનાવટી આઈકાર્ડ પણ બનાવ્યુ હતું. સાથે જ તેની ધરપકડ કરતા અન્ય બોગસ દસ્તાવેજો મળી આવ્યાછે

ક્રાઈમ બ્રાંચે આરોપી મુસ્તફાનુ કોમ્પ્યુટર કબ્જે કરી તપાસ કરતા તેની પાસેથી લોક રક્ષક ભરતીના 9 ઉમેદવારોના એડમીટ કાર્ડ, એએમસીના કોરા અરજી ફોર્મ, પીએસઆઈનું બનાવટી આઈકાર્ડ, બિન હથિયારી લોકરક્ષકની નિમણુંકના કોલ લેટર સહીતના બનાવટી દસ્તાવેજો મળી આવ્યા છે. આરોપીની તપાસમાં સામે આવ્યુ કે આરોપી છેલ્લા 10 વર્ષથી આ ટોળકી સાથે જોડાયેલ છે. માટે આરોપી દ્વારા અન્ય કેટલા બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરી છે. તેની તપાસ હાથ ધરી છે..

વિવેકાનંદ ટ્રેનિંગ એકેડેમીના ઓથા હેઠળ 81થી વધુ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરતી આ ટોળકીના રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આરોપી વિરુધ્ધ વધુ નવા ગુના નોંધાય તો નવાઈ નહીં. ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકિકત સામે આવે છે તે જોવું મહત્વનું છે

(10:54 am IST)