Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ત્રણ કર્મચારીઓ પાસેથી એક લાખથી વધુ રોકડા રૃપિયા મળ્યા

ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીમાં એસીબીનું સર્ચઃબે સબ રજિસ્ટ્રાર પાસેથી અને અન્ય એક રજિસ્ટ્રારની કેબિનના ટેબલના ખાનામાંથી મળીને ૧ લાખથી વધુ રોકડા મળ્યા

ગાંધીનગર, તા.૭ : ગાંધીનગરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અનિયમિતતા ચાલતી હોવાની ફરિયાદને પગલે એન્ટી કરપ્શન બ્યુરો (છઝ્રમ્) દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ સબરજિસ્ટ્રારના ટેબલના ખાનામાંથી કુલ ૧ લાખી વધુ રોકડા રૃપિયા મળી આવ્યા હતા. જે અંગે તેઓ યોગ્ય જવાબ ન આપી શકતા એ રૃપિયા જપ્ત કરી એસીબીએ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે આવતા નાગરિકોને દસ્તાવેજોની નોંધણી કરવા સબ રજિસ્ટ્રાર અને ફરજ પરના અન્ય અધિકારી અને કર્મચારીઓ દસ્તાવેજોની નોંધણી કરવા કાગળો હોવા છતાં વિવિધ બહાના બતાવી નિયત ફી કરતા વધુ રૃપિયા પડાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. એવી પણ ફરિયાદો હતી કે, જો રૃપિયા ન આપવામાં આવે તો દસ્તાવેજો કરાવવા આવતા નાગરિકોને ધક્કા ખવડાવી હેરાન કરવામાં આવતા હતા. આ લોકો મોડે સુધી ઓફિસ ચાલુ રાખી ગેરકાયદેસર નાણાની ઉઘરાણી કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાની બાતમી એસીબીને મળી હતી. જેને પગલે એસીબીએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગત શનિવાર એટલે કે ૬ જૂને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

એસીબીના સરપ્રાઈઝ ચેકિંગમાં સબ રજિસ્ટ્રાર વિસ્મય દિલીપભાઈ પટેલ પાસેથી રૃ. ૭૩,૧૦૦ રોકડા, સબ રજિસ્ટ્રાર ઘનશ્યામસિંહ ભીખુસિંહ ચાવડા પાસેથી રૃ. ૧૪,૫૦૦ રોકડા અને અન્ય એક સબ રજિસ્ટ્રારની ચેમ્બરના ટેબલના ખાનામાંથી રૃ. ૨૦ હજાર બિનવારસી મળી આવ્યા હતા. આમ, કુલ રૃ. ૧,૦૭,૬૦૦ રૃપિયા એસીબીને મળ્યા હતા. જે અંગે અધિકારીઓ સંતોષકારક ખુલાસો કરી શક્યા ન હોવાથી એસીબીએ હાલ જાણવા જોગ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાનું પદ સંભાળ્યા બાદથી જમીનને લગતા કામકાજોમાં થતી ગેરરીતિઓને ડામવા માટે કડક વલણ અપનાવ્યું છે. તેઓ અવાર-નવાર રાજ્યના જિલ્લા અને તાલુકા મથકની દસ્તાવેજ નોંધણી કચેરીઓની સરપ્રાઈઝ મુલાકાત લેતા રહે છે અને તેમણે ઘણા અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારી અને ભ્રષ્ટાચાર પણ પકડ્યા છે. તાજેતરમાં જ તેઓએ ખેડા જિલ્લાના માતરમાં મામલતદાર કચેરીની અચાનક મુલાકાત લઈ બોગસ ખેડૂતોની તપાસ કરી હતી.

 

(8:58 pm IST)