Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

અમદાવાદ કોર્પોરેશને અંગ્રેજી માધ્યમની ૫૦ શાળા શરૂ કરવાનો ટાર્ગેટઃ ૧૬ વર્ષમાં ૩૨ શાળાઓ શરૂ થઇ ગઇ

ગાંધીનગર: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની અંગ્રેજી માધઅયમની 50 શાળાઓ શરૂ કરવાનો ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. 16 વર્ષમાં મ્યુનિસિપલની 32 અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થઇ છે. સરવાળે દર વર્ષે બે અંગ્રેજી માધ્યમની શાળાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. ખાનગી શાળામાંથી સરકારી તેમજ મ્યુનિસિપલની શાળામાં ટ્રાન્સફર થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.

ગુજરાતમાં કોરોનાના સમયગાળામાં મતલબ કે છેલ્લાં દોઢેક વર્ષથી શિક્ષણ વિભાગ સતત ચર્ચામાં રહ્યું છે. શાળાઓ શરૂ કરવાથી માંડીને વિદ્યાર્થીઓનો અભ્યાસ, પરીક્ષા કે પછી ફીના ઇસ્યુને લઇને વિવાદ ચાલતો રહ્યો છે. ચાલુ વર્ષે પણ ફીના ઇસ્યુ લઇને શાળા સંચાલકો તથા વાલીઓ આમને-સામને આવી ગયા છે. આ અંગે ગઇકાલે 5મી જુલાઇના રોજ રાજયના શિક્ષણમંત્રીએ 25 ટકા ફી ઘટાડવાના મામલે વિચારણાં કરીને નિર્ણય કરાશે તેવું નિવેદન આપ્યું હતું. આમ સતત વિવાદ વચ્ચે આશ્ચર્ય તથા અચરજ પમાડે તેવી વાત તો એ છે કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મ્યુનિ. શાળાઓમાં તબક્કાવાર વધારો કરતું જાય છે. તેમાંય વળી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરતાં જાય છે. ગઇકાલે 5મી જુલાઇના રોજ વધુ 5 અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાના છે. તેના માટેની મંજુરી ટૂંક સમયમાં મળી જતાં કુલ અંગ્રેજી માધ્યમની શાળાઓનો આંકડો 37 પર પહોંચશે. હાલ 32 અંગ્રેજી માધ્યમની શાળાઓના ધો.1માં 3 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. હજુ ઓગસ્ટ સુધી પ્રવેશ કાર્યવાહી ચાલુ હોવાથી આ આંકડો 4થી 5 હજારે પહોંચે તો નવાઇ નહીં.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમદાવાદમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, પારસી વગેરે ભાષામાં ચાલતી અનેક શાળાઓ છે. પરંતુ અંગ્રેજી માધ્યમની શાળા સૌ પ્રથમ 2005-06માં શાહપુર વિસ્તારમાં શરુ કરી હતી. સમયની માંગ અને વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇને માત્ર 16 વર્ષમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ અંગ્રેજી માધ્યમની શાળાઓનો આંકડો 32 પર પહોંચી ગયો છે. મતલબ કે દર વર્ષે 2 અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થઇ છે. ગઇકાલે 5મી જુલાઇના રોજ વધુ પાંચ શાળાઓની મંજુરી માંગવામાં આવી છે. જે ટૂંકસમયમાં મળી જતાં 37 શાળાઓ થઇ જશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ( સ્કૂલ બોર્ડ )નો 50 અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનો ટાર્ગેટ છે.

આ બાબત બતાવે છે કે એકસમયે મ્યુનિ. શાળાનું નામ સાંભળીને લોકો મ્હોં મચકોડતાં હતા. પરંતુ સમયની માંગને ધ્યાનમાં લઇને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાના વિચારને અમલમાં મૂકયો હતો. આજે પરિસ્થિતિ એ છે કે, આ શાળાઓમાં સુધરેલા સમાજના લોકો પ્રવેશ માટે પડાપડી કરવા લાગ્યા છે. ત્યાં સુધી કે આ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે સાંસદોથી માંડીને ધારાસભ્યો, કોર્પોરેટરોની ભલામણો આવવા લાગી છે. એક અંદાજ પ્રમાણે અત્યારસુધીમાં 50 ભલામણ ચિઠ્ઠી સ્કૂલ બોર્ડના સત્તાવાળાઓને મળી છે. એટલું જ નહીં પરંતુ આ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જ નહીં બલ્કે આ શાળામાં શિક્ષક તરીકે જોડાવવા માટે પણ અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાના શિક્ષકોએ સ્કૂલ બોર્ડના સત્તાધીશોનો સંપર્ક કરવા લાગ્યા છે. આ જ બતાવે છે કે સમાજમાં પરિવર્તન આવવા લાગ્યું છે.

આગામી સમયમાં વધુ 25 શાળાઓ શરૂ કરવાનો ટાર્ગેટ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધીરેન્દ્રસીંહ તોમરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં વધુ 25 અંગ્રેજી માધ્યમની સ્માર્ટ શાળાઓ શરૂ કરાશે. જેનાથી જે તે વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓ સામે ઉત્તમ વિકલ્પ આપી શકાય. આ શાળાઓના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિદ્યાર્થીઓની સ્કીલ ડેવલપ કરવા માટે ઇતર પ્રવુત્તિઓ પણ કરાવવામાં આવે છે.

શું કહે છે શાસનાધિકારી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઇએ જણાવ્યું કે, ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન 7મી જૂનથી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 30મી જૂન સુધીમાં 10 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. જયારે ધો.1માં અત્યારસુધીમાં 3 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. હજુ ઓગસ્ટ સુધી પ્રવેશ કાર્યવાહી ચાલુ રહેશે. સમય અને વાલીઓની જે તે વિસ્તારમાંથી માંગ આવશે. તેનો સર્વે કર્યા બાદ સર્વેના પરિણામના આધારે વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં સ્માર્ટ શાળાઓનું નિર્માણ કરવામાં આવશે.

કઇ જગ્યાએ પાંચ નવી શાળા શરુ થશે

1) વટવા પબ્લીક સ્કૂલ, રાધે રેસીડેન્સીની સામે, વટવા

2) થલતેજ પબ્લીક સ્કૂલ, થલતેજ પોસ્ટ ઓફીસની સામે, થલતેજ ગામ

3) શીલજ પબ્લીક સ્કૂલ, આશાપુરા મંદિરની બાજુમાં, શીલજ ગામ

4) વસ્ત્રાલ પબ્લીક સ્કૂલ, પ્રકુતિ રેસીડેન્સી પાસે, વસ્તાલ

5) જમાલપુર પબ્લીક સ્કૂલ, મહાજનનો વંડો, વૈશ્ય સભા પાસે, જમાલપુર

32 સ્કૂલો કયા વિસ્તારમાં ચાલે છે

ઠક્કરબાપાનગર 2) સરદાર પટેલ અંગ્રેજી શાળા, 3) રખિયાલ 4) બાપુનગર 5) સરસપુર 6) સૈજપુર 7) કુબેરનગર 8) સરદારનગર 9) કુબેરનગર અંગ્રેજી શાળા નં.4, 10 ) દાણીલીમડા, 11) કાંકરિયા 12) કુ. હીના વોરા પ્રાથમિક શાળા ( અંગ્રેજી ) 13) ખોખરા 14 ) અમરાઇવાડી 15) ગોમતીપુર 16) ઓઢવ 17) મહેશ્વરી પબ્લીક સ્કૂલ 18) લીલાનગર પ્રાથમિક સ્કૂલ 19) રાજપુર 20 ) જશોદા 21) હાથીજણ 22) વાસણા 23) વેજલપુર 24) નારણપુરા 25) રામદેવપીરના ટેકરા, વાડજ 26) સાબરમતી 27) કાલપુર 28) અસારવા 29) અસારવા પબ્લીક સ્કૂલ -2 30) શાહપુર 31) દૂધેશ્વર પબ્લીક સ્કૂલ અને દૂધેશ્વર પબ્લીક સ્કૂલ -2.

છેલ્લાં પાંચ વર્ષમાં ધો.1માં પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓની સંખ્યા

વર્ષ                        ધો.1માં પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીની સંખ્યા

2016-17       14880

2017-18       14651

2018-19       15099

2019-20       17010

2020-21       18216

2021-22       18000

ખાનગી શાળાઓ છોડીને મ્યુનિ. શાળામાં કેટલા વિદ્યાર્થીઓ ટ્રાન્સફર થયા

વર્ષ                        વિદ્યાર્થીઓની સંખ્યા

2014-15       4397

2015-16       5481

2016-17       5005

2017-18       5219

2018-19       5791

2019-20       5272

2020-2021     3334

કુલ     34499

ટ્રાન્સફર થવા પાછળના કારણો શું છે

ભૌતિક અને માળખાકીય સુવિધા

રાજય સરકારની શૈક્ષણિક યોજનાઓનો લાભ

બાળક ત્યાં શાળાનું નિર્માણ

ઉચ્ચ લાયકાત, ઊંચુ મેરીટ અને તાલીમબધ્ધ શિક્ષકો

દરેક પ્રાથમિક શાળામાં અદ્યતન સાયન્સ અને કોમ્પ્યુટર લેબોરેટરી

રમતગમતના મેદાનો અને સાધનો

આર.ઓ. દ્વારા શુધ્ધ પાણી

શાળાઓમાં વાલીઓની બનેલી વ્યવસ્થાપન કમિટી

મધ્યાહન ભોજન યોજના, મફત શિક્ષણ, શૈક્ષણિક કીટ, પુસ્તકો

મોંઘવારી

(5:03 pm IST)