Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

અમૂલનું વાર્ષિક ટર્નઓવર 10 હજાર કરોડને પાર પહોંચ્યું ધંધામાં 19 ટકાની વૃદ્ધિ : રોજ 51 લાખ લીટર દૂધનું સંપાદન

સંઘે વર્ષ 2021-22 દરમ્યાન સરેરાશ 41 લાખ કિ.ગ્રા. પ્રતિદિન લેખે 150 કરોડ કિ.ગ્રા. ગુણવત્તાસભર દૂધ સંપાદન કર્યું

આણંદ- દૂધ ઉત્પાદન ક્ષેત્રે દેશનું નામ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કરનાર અમૂલ ડેરીએ વર્ષ 2021-22 માં સારો દેખાવ કર્યો છે. સામાન્ય રીતે વર્ષ 2021-22 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખૂબ જ કપરું હતું, તેમ છતાં અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 10,229 કરોડને પાર કરી ગયું છે. જે સંઘના ઇતિહાસમાં સર્વાધિક છે. જે ગત વર્ષના રૂપિયા 8598 કરોડની તુલનામાં ધંધાની કુલ 19 ટકા વૃદ્ધિ દર્શાવે છે,સંઘના વ્યવસાયમાં કલકત્તા, પૂણે તથા મુંબઇ સહિત સમગ્ર રીતે સંતોષકારક વધારો થયેલો હોવાનું ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું.

   રામસિંહ પરમારે જણાવ્યું હતું કે અમારા માટે ખૂબ જ સંતોષની વાત છે કે ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં 837.22 જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ આપી શક્યા છીએ. નવીન ટેક્નોલોજી, ખર્ચમાં ઘટાડો અને ધંધામાં કરેલા વધારાને કારણે શક્ય બનેલ છે. સભાસદોને વધુને વધુ દૂધના સારા ભાવો આપી શકીએ તેવા પ્રયત્નો હંમેશા ચાલુ રાખેલા છે. સંઘે વર્ષ 2021-22 દરમ્યાન સરેરાશ 41 લાખ કિ.ગ્રા. પ્રતિદિન લેખે 150 કરોડ કિ.ગ્રા. ગુણવત્તાસભર દૂધ સંપાદન કરેલ છે.16 ફેબ્રુઆરી 2022ના રોજ 51 લાખ લિટરથી વધુ દૂધ સંપાદન કરેલ છે જે સંઘના ઈતિહાસમાં સર્વાધિક છે.

આણંદ-ખેડા-મહીસાગર જિલ્લામાં સંઘે વર્ષ દરમ્યાન સરેરાશ 29.80 લાખ કિ.ગ્રા. પ્રતિદિન લેખે 108.79 કિ.ગ્રા. ગુણવત્તાસભર દૂધ સંપાદન કરેલ છે. વર્ષ દરમ્યાન અમૂલ પેદાશો જેવીકે ચીઝ, પનીર, માખણ, ઘી, દૂધનો પાવડર, ફ્લેવર્ડ મિલ્ક, આઈસક્રીમ અને ચોકોલેટના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરેલ છે. ઉત્પાદનમાં વધારાની સાથે સંઘ દ્વારા વિશ્વસ્તરીય અત્યાધુનિક ટેક્નોલૉજનો ઉપયોગ કરી દેશ-પરદેશના ગ્રાહકોની અપેક્ષા મુજબની ગુણવત્તા પણ જાળવી રાખેલ છે. ગત વર્ષે દૂધના અંતિમ ભાવની રકમ 320 કરોડ હતી જેને વધારીને 350 કરોડ કરેલ છે, જે ગત વર્ષની સરખામણીમાં 9 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
 સંઘ દ્વારા સેક્સ શોર્ટેડ વીર્ય ડોઝના ઉપયોગ થકી પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદન બમણું કરવાની યોજના છે. હાલમાં સંઘ દ્વારા 1200 દૂધ મંડળીઓમાંથી 30 લાખ લિટર પ્રતિદિન દૂધ સંપાદન કરવામાં આવી રહ્યું છે. સિમેન સ્ટેશન ઓડ વીર્ય ગ્રહણ કેન્દ્રમાં ઉચ્ચ આનુવંશિક ધરાવતા આખલા તેમજ પાડાનો સમાવેશ કરી વર્ષ દરમ્યાન 81 લાખથી વધુ વીર્યડોઝનું ઉત્પાદન કરેલ છે. ગત વર્ષ દરમ્યાન આપણે ગાયોમાં ભ્રૂણ પ્રત્યારોપણ શરૂ કરેલ જે પદ્ધતિને ભેંસોમાં પણ શરૂ કરેલ છે અને હાલ સુધીમાં 910 ભ્રૂણ પ્રત્યારોપણ કરેલ છે. જેના થકી 130થી વધુ ઉચ્ચ આનુવંશિકતા ધરાવતા બચ્ચાંઓનો જન્મ થયેલ છે. વર્ષ દરમ્યાન 72000થી વધુ લિંગ નિર્ધારિત વીર્યનો ઉપયોગ કરેલ છે અને 2700થી વધુ ઉચ્ચ વંશાવલી ધરાવતી પાડી- વાછરડીનો જન્મ થયેલ છે. 965 જેટલા ડિજિટલ કાવ બેલ્ટનો ઉપયોગ કરેલ છે જેના દ્વારા પશુઓના વેતર અંગેની અને સ્વાથ્ય અંગેની સચોટ અને સમયસર માહિતી મળે છે. પાડી - વાછરડી ઉછેરને વધુ વેગવંતુ બનાવવા માટે આપણે વર્ષ દરમિયાન 76000 જેટલી પાડી -વાછરડી ઉછેર કરવા માટે 75 ટકા સબસિડીથી કાફ કીટ આપણાં સભાસદોને પૂરી પાડેલ છે.

 જિલ્લામાં શંકર ગાયો ધરાવતા ગામોમાં 100 ટકા મસ્ટાઈટીસ નિયંત્રણ પ્રોગ્રામમાં આવરી લેવામાં આવેલ છે. હાલ અમૂલ ડેરી દ્વારા ડીજીટલાઇઝેશન અંતર્ગત 800 જેટલા મિલ્ક ટેસ્ટિંગ મશીન મંડળીઓમાં સ્થાપિત કરેલ છે. જિલ્લામાં 24 ક્લાક અપતી સ્પેશિયલ વિઝિટ સેવાને વધુ કાર્યક્ષમ બનાવેલી છે તેમજ હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ પણ શરૂ કર્યો છે. પશુ માવજતને ધ્યાનમાં રાખી આયુર્વેદિક પશુપૂરક આહારનું કંજરી ખાતે ઉત્પાદન શરૂ કરેલ છે.

(12:17 am IST)