Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

પાર-તાપી-નર્મદા ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ બાદ રખડતા પ્રાણીઓ અંગેનું બિલ પાછું ખેંચી શકે

આદિવાસી સમુદાયો દ્વારા વિરોધને પગલે પાર-તાપી-નર્મદા ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ સ્થિગત કરાયા બાદ હવે માલધારીઓના વિરોધ પછી રખડતા પ્રાણીઓનું બિલ પણ પાછું ખેંચાઈ તેવી શકયતા : એક અઠવાડિયામાં બીજી પીછેહઠ થશે ?!

અમદાવાદ :પાર-તાપી-નર્મદા ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટને પાછો ખેંચવાની વાત બાદ હવે  ગુજરાત સરકાર રખડતા પ્રાણીઓ અંગેનું બિલ પાછું ખેંચી શકે છે, જેમાં શહેરી વિસ્તારોમાં પશુપાલન માટે લાયસન્સ જરૂરી બનાવવાની વાત કરવામાં આવી હતી. આ બંને બિલનો ગુજરાતમાં ખુબ જ વિરોધ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર રખડતા પ્રાણીઓ અંગેનું બિલ પાછું ખેંચી શકે છે, જેમાં શહેરી વિસ્તારોમાં પશુપાલન માટે લાયસન્સ જરૂરી બનાવવાની વાત કરવામાં આવી હતી. આ બિલનો ગુજરાત માલધારી સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેઓ સામાન્ય રીતે પશુપાલન કરે છે. ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે આ બિલ પાછું ખેંચી પણ શકાય છે. અગાઉ 29 માર્ચે પાટીલે પણ પાર-તાપી-નર્મદા ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટને પાછો ખેંચવાની વાત કરી હતી. આદિવાસી સમુદાયો દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેણે કહ્યું કે આના કારણે તેણે પોતાની જમીન ગુમાવવી પડી શકે છે. સી.આર.પાટીલની જાહેરાત બાદ વિધાનસભામાં પણ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

આ રીતે પાટીલે એક જ સપ્તાહમાં બે નિર્ણયો પાછા ખેંચવાની વાત કરી છે. એવું માનવામાં આવે છે કે ભાજપ સરકાર કોઈપણ સમુદાયને નારાજ કરવા માંગતી નથી. આ વર્ષના અંતમાં રાજ્યમાં ચૂંટણી થવાની છે અને તે પહેલા તે કોઈપણ વર્ગના ગુસ્સાનો શિકાર બનવા માંગતી નથી. કોંગ્રેસ પણ પ્રાણીઓ અંગેના પ્રસ્તાવિત બિલનો જોરદાર વિરોધ કરી રહી હતી. સીઆર પાટીલે સોમવારે કહ્યું, ‘મને લાગે છે કે રાજ્યમાં રખડતા પ્રાણીઓને નિયંત્રિત કરવા માટે ગુજરાત મ્યુનિસિપલ એક્ટ હેઠળ ઘણી બધી જોગવાઈઓ છે. કેટલાક નેતાઓએ મને આ અંગે મેમોરેન્ડમ આપ્યું છે અને મેં મુખ્યમંત્રીને આ બાબતે ફરી એકવાર વિચારણા કરવા જણાવ્યું છે. મુખ્યમંત્રીનું વલણ હકારાત્મક હતું અને મને લાગે છે કે સરકાર તેના પર પુનર્વિચાર કરશે.

31 માર્ચે રાજ્ય સરકારે ગુજરાત કેટલ કંટ્રોલ ઇન અર્બન એરિયાઝ બિલ રજૂ કર્યું હતું. આ બિલ અંગે સરકારે કહ્યું હતું કે તેનાથી શહેરી વિસ્તારોમાં રખડતા પ્રાણીઓની સમસ્યાનો સામનો કરવામાં મદદ મળશે. નવા બિલ મુજબ શહેરી વિસ્તારોમાં લોકોએ પશુપાલન માટે લાયસન્સ લેવું પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં પ્રાણીઓના ઉછેર માટે નોંધણી અને ટેગિંગ પણ જરૂરી છે. એટલું જ નહીં, આ નિયમનું ઉલ્લંઘન કરવા પર કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે. જેના પર કોંગ્રેસ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેને માલધારી સમાજનું સમર્થન પણ મળી રહ્યું હતું, જેના કારણે ભાજપ હવે બેકફૂટ પર આવતો જોવા મળી રહ્યો છે.

અત્રે નોધનીય છે કે ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અને વિરોધ પક્ષ કોંગ્રેસની સાથે સાથે હવે ગુજરાતમાં ભાજપે આપનો પણ સામનો કરવો પડશે. પંજાબમાં સત્તાધીન થયા બાદ આપ દ્વારા ગુજરાત અને હિમાંચલને ટાર્ગેટ કરવાનું શરુ કર્યું છે. ગુજરાતમાં અમદાવાદમાં રોડ શો કર્યા બાદ હવે આપ હિમાચલમાં રોડ શો કરવા જઈ રહ્યું છે. ગુજરાત મનપાની ચૂંટણીમાં સુરત ખાતે ખાતું ખોલાવીને આપે ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અને હવે ગુજરાતમાં પોતાના સંગઠનને મજબુત કરવામાં લાગી ગયું છે. તો  ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પણ બરાબરીનો મુકાબલો આપ્યો હતો. અને ૭૭ બેઠકો મેળવી હતી. તો ભાજપ સંપૂર્ણ બહુમતીનો આંકડો ૧૦૩ મેળવી શકી ના હતી. અને ૯૯ બેઠકે સંતોષ માનવો પડ્યો હતો. અને માટે જ હવે ચૂંટણી પહેલા કોઈ પણ સમુદાય ને નુકસાન થાય કે નારાજ થાય તે ભાજપને પાલવે તેમ નથી.

 

(9:55 pm IST)