Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

રાજ્યભરમાં સરકારી હોસ્પિટલમાં તબીબોની હડતાળથી દર્દીઓને હાલાકી:સગાઓ રઝળયાં:ઓપરેશન અટવાયા

અમદાવાદ સિવિલમાં 150 અને રાજ્યભરમાં 3 હજાર ઓપરેશન અટવાયા હોવાનું હડતાળ પર ગયેલા ડોકટર્સએ જણાવ્યું

અમદાવાદ :રાજ્યભરમાં સરકારી મેડિકલ કોલેજના 10 હજાર જેટલા સિનિયર ડોકટર્સ હડતાલ પર ઉતરી જતા હાલાકી સર્જાઈ છે. બહારગામથી સારવાર માટે આવેલા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. ત્રણ ત્રણ વાર રજુઆત છતાં ડોકટર્સની માંગ સ્વીકારવામાં નહિ આવતા ડોકટર્સએ હડતાળ પડતા દર્દીઓ અને તેમના સગાઓ અટવાઈ પડ્યા છે.

ગારીયાધારથી પોતાના બહેનની સર્જરી માટે આવેલા રેખાબેન હડતાલથી અટવાયા છે. તેઓને પડેલી મુશ્કેલી જણાવતા તેઓએ કહ્યું કે, ગયા ગુરુવારે ઓપરેશનનો વારો હતો પણ ડોક્ટર આવ્યા નહિ. હવે આજે ઓપરેશનનો વારો છે. સત વાગ્યાથી રાહ જોઈ રહ્યા છીએ. કમરની ગાદી ખસી ગઈ હતી તેનું ઓપરેશન હજુ થયું નથી.

તો સરસપુરથી પોતાના ભાઈના પગનું ઓપરેશન કરવા આવેલા હર્ષદભાઈએ પણ રોષ ઠાલવતા કહ્યું કે, અમે સાત વાગ્યાના ઓપરેશનની રાહ જોઈ રહ્યા છીએ પણ ઓપરેશન થયું નથી. ઉપર બોલાવીને રાખ્યા છે પણ ક્યારે નંબર આવશે તે ખબર નથી.

આવીજ કંઈક સ્થિતિ એમપીથી સારવાર માટે આવેલા દીપકભાઈ અને નરોડથી પતિનું ઓપરેશન માટે આવેલા કૈલાશબેનની છે. બીજીતરફ ગુજરાતમાં ડોકટર્સએ ફરી હડતાલ પાડી દર્દીઓને ભગવાન ભરોસો મૂકી દીધા હોવાના દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે. અંદાજે 10 હજાર ડોકટર્સએ કામકાજથી દૂર રહી હોસ્પિટલમાં હડતાલ પડતા મેડિકલ સેવાઓને અસર પહોંચી છે.

એશિયાની નંબર વન ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 250થી વધુ ડોકટર્સ સ્ટ્રાઈક પર જતાં દર્દીઓની મુશ્કેલી વધી. અમદાવાદ સિવિલમાં 150 અને રાજ્યભરમાં 3 હજાર ઓપરેશન અટવાયા હોવાનું હડતાળ પર ગયેલા ડોકટર્સએ જણાવ્યું છે.

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખ ડો. રજનીશ પટેલે જણાવ્યું કે, જ્યાં સુધી પડતર માંગણીઓને સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી હડતાળ પર રહીશું. તો વળી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.રાકેશ જોશી જણાવી રહ્યા છે કે ડોકટર્સ હડતાલ પર છે એટલે મેડિકલ સેવાને અસર થવાની જ છે. જોકે દર્દીઓને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રાખી છે. દર્દીઓને OPD સેવામાં કોઈ તકલીફ નથી. જે દર્દીઓને ઇમરજન્સી સર્જરી છે તેઓ માટે 60 ડોકટર્સ કોન્ટ્રાકટ પર બોલાવ્યા છે. જે દર્દીઓને પ્લાન સર્જરી છે તેમાં અસર થઈ શકે છે. મહત્વનુ છે કે પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઉતરેલા તબીબોહવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જો વહેલી તકે આ મુદ્દે નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં મેડિકલ સેવાને વધુ અસર થાય તો નવાઈ નહિ.

(8:58 pm IST)