Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

નડિયાદ તાલુકાના કણજરીમાં ધો.12ની પરીક્ષા આપવા બાબતે સાસરિયા સાથે ઝઘડો થતા પરિણીતાએ ફાસો ખાઈ મોતનેવહાલુ કરતા અરેરાટી મચી જવા પામી

નડિયાદ : નડિયાદ તાલુકાના કણજરીની પરિણીતાએ ધોરણ ૧૨ની પરીક્ષા આપવા બાબતે સાસરિયા સાથે ઝઘડો થતાં ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈએ સાસરીયા સામે આપઘાત માટે દુષ્પ્રેરણા કર્યાની ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધંધુકા તાલુકાના સસીયાણાની યુવતીના લગ્ન તા.૧૯/૫/૨૦૨૧ના રોજ નડિયાદ તાલુકાના કણજરી સિરામિક કવાર્ટરમાં રહેતા મહેશભાઈ હેમુભાઈ સોલંકી સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં પરણિતાનું લગ્ન જીવન સુખ રૂપ ચાલ્યું હતું. બાદમાં ઘરકામ જેવી નજીવી બાબતે સાસુ અને પતિ દ્વારા ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. તેમજ થોડા સમય અગાઉ પતિ સાથે ઝઘડો થતા અમૃતાનું ગળું દબાવી દીધાનો બનાવ બનતા પરિણીતાને તેનો ભાઈ પિયર તેડી ગયો હતો. પરંતુ આઠેક દિવસ પહેલા પરણિતાને તેનો પતિ તેડવા જતા પંચમાં સમાધાન કરી અમૃતાને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા આપવાની હોય સાસરીમાં તેડી ગયા હતા.  જેમાં પરીક્ષા આપવા જવા દેવાની ના પાડતા અમૃતાબેન (ઉં.વ.૨૯)એ શનિવારે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જેની જાણ થતા પરિણીતાને કરમસદની હોસ્પિટલમાં લઇ જતા તબીબે અમૃતાબેનને મૃત જાહેર કરી હતી. આમ સાસરિયાઓએ શારીરક માનસિક ત્રાસ ગુજારી પરિણીતાને આપઘાત કરવા મજબૂર કરતા અમૃતાબેનએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે રઘુભાઈ ગગુભાઈ ઝાપડીયાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે મહેશભાઈ હેમુભાઈ સોલંકી તથા વસંતબેન હેમુભાઈ સોલંકી સામે આપઘાતની દુષ્પ્રેરણાની ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

(7:19 pm IST)