Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

જી.આઈ.ડી.એક્ટમાં લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રાયોરિટી સેક્ટર તરીકે સમાવેશ કરવાનો નિર્ણય: બેટદ્વારકા-શિયાળબેટ ટાપુઓનો ટુરિઝમ હોટસ્પોટ તરીકે વિકાસ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની 39મી બોર્ડ બેઠક યોજાઈ: ઉદ્યોગમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ-જી.આઈ.ડી.બી.ની 39મી બોર્ડ બેઠકમાં જી.આઈ.ડી.એક્ટમાં લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રાયોરિટી સેક્ટર તરીકે સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આના કારણે રાજ્યમાં જી.આઈ.ડી.બી. દ્વારા ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે પી.પી.પી.(પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ)થી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઝડપથી હાથ ધરી શકાશે. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટરપ્લાન અંતર્ગત રાજ્યોને પોતાના ઈન્ટિગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન તૈયાર કરી તેના અમલ માટે આહવાન કર્યું છે.

આ સંદર્ભમાં ગુજરાતમાં પી.એમ. ગતિશક્તિ માસ્ટરપ્લાન પ્રોજેક્ટના અમલીકરણની નોડલ એજન્સી તરીકે જી.આઈ.ડી.બી. કાર્ય કરે છે.

1999માં ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અધિનિયમ અંતર્ગત વૈધાનિક દરજ્જા સાથે કાર્યરત કરવામાં આવેલું આ ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રાજ્યમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા સાથે મોટા મૂડી રોકાણોની આવશ્યકતા ધરાવતી માળખાકીય યોજનાઓ માટે નાણાપ્રવાહ વધુ સુગમ કરે છે.

આ જી.આઈ.ડી.બી.ની 39મી બેઠક ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તેમ જ ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત અને મુખ્ય સચિવશ્રી રાજકુમારની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી.

ગુજરાતમાં ગયા વર્ષે 6 ઓક્ટોબરના રોજ પી.એમ. ગતિશક્તિ માસ્ટરપ્લાનનું નેશનલ લોન્ચિંગ કરવામાં આવ્યું છે, તેમ જ જી.આઈ.ડી.બી.એ ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુટ ફોર સ્પેસ એપ્લિકેશન-બી.આઈ.એસ.એ.જી.-એન તેમ જ વિવિધ વિભાગો સાથે મળીને આ માસ્ટરપ્લાન પોર્ટલ પર 1100 જેટલા વિવિધ ડેટા ઈન્ટિગ્રેટ કરેલા છે, તેની વિસ્તૃત ચર્ચા આ બોર્ડ બેઠકમાં કરવામાં આવી હતી.

તદઅનુસાર જી.આઈ.ડી.બી. દ્વારા સ્ટેટ લોજિસ્ટિક્સ માસ્ટરપ્લાન અને 8 મહાનગરપાલિકાઓ સાથે મળીને સિટી લોજિસ્ટિક્સ માસ્ટરપ્લાન તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, તેની વિગતો બોર્ડના સી.ઈ.ઓ. શ્રીમતી અવંતિકા સિંઘે પ્રેઝન્ટેશનના માધ્યમથી આપી હતી.

બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે ગતિશક્તિ ઈન્ટિગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનના પરિણામે રાજ્યના કોઈ પણ રિજિયનનું ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્લાનિંગ ટૂંકા ગાળામાં થઈ શકે છે. અંબાજી યાત્રાધામનો વિકાસ પ્લાન તથા દહેજ ઔદ્યોગિક વસાહતનો ડેવલપમેન્ટ પ્લાન, આના ઉદાહરણો છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત 1600 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે, તે સંદર્ભમાં કોસ્ટલ બેલ્ટના તાલુકાઓ માટે સંકલિત વિસ્તાર વિકાસ યોજનાની તૈયારીઓ માટે કન્સલટન્ટ-એડવાઈઝરની પસંદગી અંગે પણ જી.આઈ.ડી.બી.ની આ બોર્ડ બેઠકમાં પરામર્શ કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં, નવલખી નજીક સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજનના વિકાસ માટે ડિટેઈલ્ડ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે સલાહકારની પસંદગીની દરખાસ્ત પણ કરવામાં આવી હતી.

રાજ્યમાં 2050 સુધીમાં ઈન્ડસ્ટ્રિયલ વોટર-ઔદ્યોગિક હેતુ માટે પાણીની માગણી મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવા અંગે સલાહકાર પસંદગીની મંજૂરી માટે આ બોર્ડ બેઠકમાં દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટરપ્લાનને સુસંગત સ્ટેટ ઈન્ટિગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટરપ્લાન ઝીણવટપૂર્વક તૈયાર થાય અને ગુજરાત પી.એમ. ગતિશક્તિ માસ્ટરપ્લાનમાં પણ આ સ્ટેટ માસ્ટરપ્લાનથી અગ્રીમ યોગદાન આપે તેનું માર્ગદર્શન બેઠકમાં આપ્યું હતું.

જી.આઈ.ડી.બી.ની બોર્ડ બેઠક સાથે જ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠક પણ યોજવામાં આવી હતી. 

વિશાળ સાગરકાંઠો અને 144થી વધુ આયલેન્ડ ધરાવતું ગુજરાત વિકાસમાં અગ્રેસર છે. તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રહીને રાજ્ય સરકારે આ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને રચના કરી છે.

આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે.

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આ ઓથોરિટીની પાંચમી બોર્ડ બેઠકમાં અગાઉની બોર્ડ બેઠકમાં જે બે ટાપુઓ બેટદ્વારકા અને શિયાળબેટનો પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે માટેની નાણાકીય ફાળવણી આ વર્ષના રૂપિયા 2077 કરોડના પ્રવાસન બજેટમાંથી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

મુખ્ય સચિવશ્રી રાજકુમારે દ્વારકા કોરિડોર ડેવલપમેન્ટ માટે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી રચવાનું સૂચન કર્યું હતું.

આ બન્ને બેઠકોમાં સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, સચિવશ્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

   
(7:29 pm IST)