Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

સુરતના ૮૮ કરોડનો બોગસ બિલિંગ કૌભાંડ મામલો

બોગસ બિલિંગ કૌભાંડમાં એક આરોપીની ધરપકડ થઈ : જીએસટી વિભાગની DGGI વિંગ દ્વારા ધરપકડ કરાઈ

સુરત, : શહેરમાં થયેલા કરોડોના બોગસ બિલિંગ કૌભાંડમાં અગાઉ ઇકો શેલના હાથે ઝડપાયેલા માસ્ટર માઇન્ડની સુરત જીએસટી વિભાગની DGGI વિંગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આરોપી દ્વારા ફાઇવ સ્ટાર નામનની બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી અને ૮૮ કરોડના બોગસ બિલ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારમાંથી ૧૫.૮૮ કરોડનું રિટર્ન મેળવીને સરકારને ચૂનો ચોપડ્યો હતો. ત્યારે આ મામલે લાજપોર જેલમાંથી આરોપીની ટ્રાન્સફર મેળવી ધરપકડ કરવામાં આવી છે.

સુરત ઇકો શેલ દ્વારા અગાઉ કરોડોના બોગસ બીલિંગ કૌભાંડમાં ઉન વિસ્તારમાંથી મુરશીદ આલમ મહેબુલ રહેમાન સૈયદની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દ્વારા ૧૭ જેટલી બોગસ પેઢીઓ ઉભી કરી ૪૯૬ કરોડના બોગસ બિલ બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આરોપી સુરતની લાજપોર જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. આ આરોપીની જીએસટી વિભાગની ડીજીજીઆઇ વિંગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિભાગ દ્વારા સુરતની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરવામાં આવી છે.

ડીજીજીઆઈ વિંગની તપાસમાં આરોપી મુર્શીદ આલમ દ્વારા ફાઇવ સ્ટાર નામની બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી. આ બોગસ પેઢીના નામે ૮૮ કરોડના બોગસ બિલો બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારમાંથી ૧૫.૮૮ કરોડની ખોટી ITC મેળવવામાં આવી હતી. આ કેસમાં હાલ આરોપીની ધરપકડ બાદ સુરત ચીફ કોર્ટમાં રજૂ કરવા અંગેની તજવીજ ડિજીજીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આરોપીની પૂછપરછમાં બોગસ બિલિંગ કૌભાંડ મામલે નવા ખુલાસા બહાર આવે તો નવાઈ નહીં. જો કે, આરોપી પહેલા બોગસ બિલિંગમાં ઝડપાયા બાદ આપ બોગસ બિલિંગના આધારે સરકારમાંથી ટેક્સના પૈસા રિફંડ લેવાનો મામલો સામે આવતા હવે તેની સાથે પકડાયેલાની આરોપીઓની પણ ઉલટ તપાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

 

(11:49 am IST)