Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

સ્વૈચ્છિક સંસ્થાઓને વિદ્યાર્થીઓને સહાય કરવા અપીલ

જુનિયર ક્લાર્કની પરીક્ષા ૧૧૮૧ કેન્દ્રો પર યોજાશે : કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે

ગાંધીનગર: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી તારીખ ૯મી એપ્રિલે જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા માટે ઉમેદવારોના કોલલેટર  ડાઉનલોડ કરવા માટેના સમાચાર પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ જુનિયર કલાર્કની પરીક્ષા રાજ્યના ૧૧૮૧ કેન્દ્રો પર યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જાણ કરી હતી કે તા. ૩૧મી માર્ચથી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો તેમના કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જેમાં બપોરે ૧ વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે.

ઉલ્લેખનીય છે અગાઉ આ પરીક્ષા રદ થયા બાદ ફરી પરીક્ષા લેવાની જવાબદારી ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. રાજ્યમાં કુલ ૧૧૮૧ પરીક્ષા કેન્દ્રો પરથી જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૯મી એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્કની આ પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ કરવા બોર્ડ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ મુદ્દે આજે પત્રકાર પરિષદ સંબોધતા હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ૯ લાખ ૫૩ હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ૯ એપ્રિલના બપોરે સાડા બારથી દોઢ વાગ્યામાં પરીક્ષા લેવાશે. પરીક્ષાની SOP રેડી છે. આ મુદ્દે અમે જિલ્લા અધિકારીઓ સાથે અત્યાર સુધીમાં ઘણી મિટિંગો કરી છે.

આવતીકાલે મુખ્ય સચિવ પણ આ મુદ્દે વીડિયો કોન્ફરન્સ જિલ્લા અધિકારીઓ સાથે કરશે. ૨૫૪ રુપિયા એસટી ભાડુ પરીક્ષાર્થીને અપાશે, એના નાણા પણ આયોગને અપાઇ ગયા છે. પરીક્ષા પુરી થયા બાદ બેક્ન ડીટેઇલને કોલ લેટર વેરીફાય કરીને નાણા ચૂકવાશે. એસટી બસો પણ સરકાર દ્વારા મૂકાશે. પરીક્ષા કેન્દ્રો અમે જાણી જોઇને દૂર દૂર રાખ્યા છે છતાં કોઇના ધ્યાનમાં ગેરરિતી આવે તો તુરંત ધ્યાન દોરવા અમે વિનંતી કરીયે છે. સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વિદ્યાર્થીઓને યથા શક્તિ સહાય કરવા તેઓએ અપીલ કરી હતી.

(11:43 am IST)