Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ઊંઝામાં ખાદ્ય પદાર્થની ભેળસેળ થતી હોવાની બાતમીના આધારે દરોડા પાડી 12 લાખનો જથ્થો કબ્જે કર્યો

મહેસાણા: ઊંઝા ખાતેની પેઢીમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ થતી હોવાની શંકાના આધારે આજે મહેસાણા તથા ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ્સ તંત્ર તથા ઊંઝા પોલીસની ટીમે દરોડો પાડી જીરૃ, વરિયાળીનું ભુંસુ, ક્રીમ પાવડર, ગોળની રસી વગેરે મળી કુલ રૃ.૧૨,૦૬,૨૦૦નો મુદ્દામાલ કબજે લઈ પેઢી વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ફુડ ખાતાના દરોડાના પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઊંઝા શહેરના રામપુરા રોડ પર આવેલી પટેલ પ્રવીણકુમાર દીલીપભાઈની મે.આર્મી એગ્રો નામની પેઢીના ગોદામમાં  ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ થતી હોવાની બાતમીના આધારે ઊંઝા પોલીસે દરોડો પાડી શંકાસ્પદ જથ્થો જણાતાં  ગાંધીનગર તથા મહેસાણા ખાતેના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાણ કરી બોલાવી લેતાં ડેઝીગ્નેટેડ ઓફિસર બી.એમ.ગણાવા, ફુડ સેફ્ટી ઓફિસર એસ.બી.પટેલ સહિતનાએ સ્થળ પર ધસી જઈને જુદીજુદી ખાદ્યચીજવસ્તુઓનો જથ્થો કબજે લીધો હતો. જેમાં જીરૃ (લુઝ) વજન ૧૩૮૬૦ કિલોગ્રામ, રૃ.૯,૭૦,૨૦૦ તથા વરિયાળીનું ભુંસુ (લુઝ) વજન ૧૪,૪૦૦ કિલોગ્રામ, રૃ.૨,૧૬,૦૦૦  તેમજ ક્રીમ પાવડર (લુઝ) વજન ૨,૦૦૦ કિલોગ્રામ, રૃ.૨૦,૦૦૦ અને ગોળની રસી ૧૫૦ લિટર, રૃ.૩૦૦૦ મળી કુલ રૃ.૧૨,૦૬,૨૦૦નો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે ફુડ ખાતા દ્વારા મે.આર્મી એગ્રો પેઢીના માલિક સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ઊંઝા પોલીસે પેઢીના માલિક વિરૃધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

(5:54 pm IST)