Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ગાય માતાના સંરક્ષણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનશીલ : મહાનગરોમાં જનભાગીદારી દ્વારા ઢોરવાડાનું નિર્માણ કરાશે: રાજકોટ, સુરત, ભાવનગરમાં કામગીરી પ્રગતિ હેઠળ : રાજ્યના શહેરી વિસ્તારોમાંથી રખડતા ઢોરના ત્રાસથી રાજ્યના નાગરિકોને મુક્ત કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ: શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયા

કોઇ પણ વ્યકિત ઢોર મેળવે તે તારીખથી ૯૦ દિવસની અંદર વ્યક્તિએ લાઇસન્સ મેળવવાની અરજી કરવાની રહેશે : લાઈસન્સ મળ્યા બાદ ૧૫ દિવસની અંદર ઢોરને ટેગ કરવાની રહેશે : આ અધિનિયમમાં શહેરીજનો પણ સુરક્ષિત રહે અને ગાયમાતા પણ સ્વસ્થ અને સુરક્ષિત રહે તેનું ધ્યાન રખાયું છે : ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર) બાબત વિધેયક - ર૦રર

રાજકોટ તા.૧ : વિધાનસભા ખાતે ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર) બાબત વિધેયક - ર૦રર રજૂ કરતાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયાએ કહ્યું કે, રાજ્યના શહેરી વિસ્તારોમાંથી રખડતા ઢોરના ત્રાસથી રાજ્યના નાગરિકોને મુક્ત કરાવવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે.

 

મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું કે, રાજ્યની  મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પશુઓનો ત્રાસ વધતો જાય છે. જેના અટકાવ અને નિયમન માટે વધુ સઘન કાર્યવાહી કરવી જરૂરી છે. જે હેતુ આ વિધેયક મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી  રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે.

 

મંત્રી શ્રી મોરડીયાએ કહ્યું કે, ગાય એ આપણા સૌની માતા છે. અમારી સરકાર હર હંમેશ ગાયોની સેવા માટે ચિંતિત છે અને રહેશે. વિપક્ષ દ્વારા ગાયોને પાંજરામાં પૂરવાની વાત કરવામાં આવી છે ત્યારે એ તેમની ગેરસમજ છે. રસ્તા પર રખડતી,રઝળતી, પીડાતી અને કચરાપેટીમાંથી કચરો ખાતી જોઈ શકાય નહીં. આવું ગાયો ખાય છે અને એ બીમાર પડે છે. રસ્તા પર ગાયોને અકસ્માત કે પછી રસ્તા પર ગાય વિયાય તેવા સમયે ગાયોના રક્ષણ માટેનો અમારો આ પ્રયત્ન છે. આ માટે અમારી સરકારે વ્યવસ્થાઓ ઊભી કરવા 50 કરોડની જોગવાઈ કરી છે. જરૂર પડશે તો ૫૦ કરોડ શું ૫૦૦ કરોડ પણ વાપરવાની સરકારની તૈયારી છે.

 

તેમણે ઉમેર્યું કે, આ વિધેયકની પૂર્વ તૈયારી માટે રાજ્ય સરકારે રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા સહિતની મહાનગરપાલિકાઓમાં ઢોરવાડાના નિર્માણ માટે કામગીરી પ્રગતિ હેઠળ છે. 

 

તેમણે ઉમેર્યું કે, રાજ્યના માલધારીઓ સાથે ચર્ચા કરવા રાજ્ય સરકારનું મન હર હંમેશ ખુલ્લુ છે. આ કાયદાના પરિણામે જે કોઈના પ્રશ્નો હશે તેમની સાથે ચર્ચા બાદ યોગ્ય કાર્યવાહી પણ અમે કરીશું. રાજ્યના માલધારીઓને મુશકેલીઓ ન પડે તેનું પણ સરકાર ધ્યાન રાખશે અને માલધારીઓની પણ આ સરકાર ચિંતા કરી રહી છે. 

 

 તેમણે કહ્યું કે, મહાનગરમાં રખડતા ઢોરોના નિયંત્રણ માટે જનભાગીદારી ના માધ્યમ થી ઢોરવાડા બનાવવાનું પણ અમારું આયોજન છે અને જરૂર પડશે તો અમે નાણાકીય સહાય પણ આપીશું. 

 

મંત્રી શ્રી મોરડીયાએ જણાવ્યું કે, હાલ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પશુઓનો ત્રાસ અટકાવવા માટે રખડતા પશુઓ પકડવાની કામગીરી તથા નિયત થયેલ દંડ કે ચાર્જ ભર્યેથી પશુ માલિકોને તેમના પશુઓ પરત સોંપવાની કાર્યવાહી મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવે છે. પરિણામે પશુ માલિકો દંડ કે ચાર્જ ભર્યા બાદ પશુઓને ફરીથી રખડતા છોડી મુકે છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે. જેના પરિણામે પશુઓનો ત્રાસ અટકતો નથી અને નિયમન થતું નથી. જેથી અસંખ્ય શહેરીજનોને મુશ્કેલીઓ પડતી હોય છે.

 

મંત્રી શ્રી મોરડીયાએ ઉમેર્યું કે, હાઇકોર્ટે આપેલ નિર્દેશ “રાજય સરકારે રખડતા ઢોરના પ્રશ્નના કાયમી નિરાકરણ માટેનો ઉપાય શોધવો જોઇએ અને આ બાબતે યોગ્ય કાયદો ઘડવા માટેની વિચારણા કરવી જોઇએ.” ને ધ્યાને લેતા રાજ્યના શહેરી વિસ્તારોમાંથી રખડતા ઢોરના ત્રાસથી રાજ્યના નાગરિકોને મુક્ત કરાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અને આ પ્રશ્નના મક્કમતાથી નિરાકરણ માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં નામદાર હાઇકોર્ટ્ના નિર્દેશ મુજબ, ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર) બાબત વિધેયક, ર૦રર તૈયાર કરવામાં આવ્યું છે. આ વિધેયકમાં  કુલ ૦૭ પ્રકરણો સાથે કલમ ૧ થી ૩૦ અને એક અનુસૂચિ છે.

 

મંત્રી શ્રી મોરડીયાએ ઉમેર્યું કે, આ અધિનિયમ જે તારીખે અમલમાં આવે તે તારીખથી ત્રણ મહિનાની મુદત પૂરી થયા પછી કોઇ પણ વ્યકિત તે વિસ્તાર અથવા તેના ભાગમાં કોઇ પણ ઢોર લાયસંસ વગર રાખી શકશે નહિ અથવા રખાવી શકશે નહિ.

 

 મંત્રી શ્રી મોરડીયાએ વધુમાં ઉમેર્યું કે,  આ અધિનિયમના આરંભની તારીખથી અથવા કોઇ પણ વ્યકિત ઢોર મેળવે તે તારીખથી ૯૦ દિવસની અંદર વ્યક્તિએ લાઇસન્સ મેળવવાની અરજી કરવાની જોગવાઇ છે. લાઇસન્સ રિન્યુ કરવા લાઇસન્સ પુરું થાય તે પહેલાં ૬૦ દિવસની અંદર અરજી કરવાની રહેશે. લાઇસન્સ કરતી અરજીમાં દરેક વ્યકિતએ તેમાં રાખવાના ઢોરની સંખ્યા જણાવવાની રહેશે. ઢોર રાખવાની જગ્યા અને વિસ્તાર દર્શાવતી સૂચક રૂપરેખા પણ જોડવાની રહેશે. દસ્તાવેજની ફી સાથે અરજી મળેથી લાઈસન્સ અધિકારી લાઇસન્સ કાઢી આપશે અથવા રિન્યુ કરી આપશે. લાઈસન્સ મળ્યા બાદ ૧૫ દિવસની અંદર ઢોરને ટેગ કરવાની રહેશે.

 

મંત્રી શ્રી મોરડીયાએ કહ્યું કે, શહેરી વિસ્તારમાં સ્થાનિક સતામંડળ દ્વારા નિર્ધારીત કરેલ સમય દરમિયાન અને નિયત કરેલ વિસ્તારમાં જ ઘાસચારો વેચી શકાશે. પ્રતિબંધિત વિસ્તારોમાં ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહિ.  લાઈસન્સ ધારકે લાઈસન્સની વિગતોમાં ફેરફાર થયાની જાણ નિયત સમયગાળામાં કરવાની રહેશે. 

 

 મંત્રી શ્રી મોરડીયાએ કહ્યું કે, ઢોરના મડદાના સલામત નિકાલ બાબતે માર્ગદર્શક સૂચનાઓની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ઢોરને બાળવા બાબતે, ઢોરના મડદાના ઉપયોગ માટેના પ્લાન્ટ ઉભા કરવા બાબતે, ઊંડી દફન ક્રિયા બાબતેની જુદી જુદી જોગવાઈઓ છે. ચેપી રોગથી મૃત્યુ પામેલ ઢોરને માત્ર બાળવાની જોગવાઈ છે. સ્થાનિકમંડળ કામચલાઉ ઢોરની કોઢ વિકસાવવા વિસ્તારો મુકરર કરી શકશે તેમજ સરકાર, સમાજ, ખાનગી સંસ્થા, ટ્રસ્ટ, મંડળો, વગેરેની મદદથી કામચલાઉ ઢોરની કોઢ બાંધવા અને તેના નિભાવ માટે વ્યવસ્થાઓ કરશે. 

 

મંત્રી શ્રી મોરડીયાએ અપીલ અને ગુના સબંધે જણાવતા કહ્યું કે,​ લાઈસન્સ આપનાર અધિકારી અથવા ઈન્સપેક્ટરના હુકમથી નારાજ થયેલ વ્યક્તિ હુકમ મળ્યાની તારીખથી ૩૦ દિવસની અંદર અપીલ સત્તામંડળને અપીલ કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જો અપીલ સત્તામંડળને યોગ્ય કારણો લાગે તો ત્રીસ દિવસની મુદ્ત પૂર્ણ થયા બાદ પણ અપીલ સ્વીકારી શકશે. અપીલ સત્તામંડળ જરુરી તપાસ કર્યા બાદ અને અપીલ કરનારને સુનાવણીની વાજબી તક આપ્યા બાદ પોતાને યોગ્ય લાગે તેવા હુકમ કરવાની જોગવાઈ છે. અપીલ કરવામાં આવી હોય ત્યારે અપીલ સત્તામંડળ યોગ્ય ગણે તેવા સમયગાળા માટે અને તેવી બોલીઓ અને શરતો મુજબ લાઈસન્સ આપનાર અધિકારીના હુકમનો અમલ રોકી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

 

મંત્રી શ્રી મોરડીયાએ કહ્યું કે, આ અધિનિયમની જોગવાઈઓ તેની અનુસૂચિમાં દર્શાવ્યા મુજબના પ્રાણીઓ જેવા કે, ભેંસ, ગાય, વાછરડી (વોડકી), વાછરડા, આખલા (સાંઢ), ગાયનું વાછરડું, ભેંસનું વાછરડું, બળદ, બકરાં, ઘેટાં, ગધેડાંને લાગુ પડશે.

 

મંત્રી શ્રી મોરડીયાએ કહ્યું કે, ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરી જનોને મુક્ત કરવા આ વિધેયક અસરકારક સાબિત થશે. આ અધિનિયમમાં શહેરીજનો પણ સુરક્ષિત રહે અને ગાયમાતા પણ સ્વસ્થ અને સુરક્ષિત રહે તેનું ધ્યાન રખાયું છે. 

 

વિધાનસભા ખાતે ગુજરાત રાજયના શહેરી વિસ્તારોમાં દિન પ્રતિદિન વધતા જતા પશુઓના ત્રાસને અટકાવવા માટેનુ  ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર) બાબત વિધેયક - ર૦રર મંજૂર કરવામાં આવ્યું છે.

(4:24 pm IST)