Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

શિયાળુ શાકભાજી સસ્તાઃ ગૃહણીઓને હાશકારો ખેડૂતોની સ્થિતિ કફોડીઃમોટા નુકશાનની ભીતિ

શાકભાજીના ભાવ તળિયે ગગડતા ખેડૂતોને મજૂરી ખર્ચ કાઢવાના પણ ફાંફા

રાજકોટ, તા.૫ : શિયાળુ શાકભાજીના ભાવ સસ્તા થતા એક તરફ ગૃહણીઓને નિરાંત થઇ છે. બીજીતરફ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે અને મોટા નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. બજારમાં શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મજૂરીનો ખર્ચ પણ મેળવવાના ફાંફા પડી ગયા છે.

શિયાળાની આ ઋતુમાં માર્કેટમાં લીલી શાકભાજીમાં તેજી હોય, પરંતુ ખેડૂતોને માટે મંદીનું મોજું છે. ચાલુ સીઝનમાં શાકભાજીનું ઉત્પાદન સારૂ થયું હતું. પરંતુ શાકભાજીનો ૧ કિલોનો ભાવ મહિના પહેલા ૧૦ થી ૨૦ બોલાતો હતો. એ જ શાકભાજીનો ભાવ હાલમાં ૧ થી ૪ રૂપીયે પહોંચી ગયો છે. જેથી ખેડૂતોને મોટું નુકશાન જઈ રહ્યું છે. ખેડૂતોએ માર્કેટમાં શાકભાજી વેચવા જવાનું પણ ટાળ્યું હોવાનું જણાવાઈ રહયું છે.

તાજેતરમાં ભાવ ન મળતા ટામેટા પશુઓને ફેકી દેવામાં આવ્યા હતા અન્ય શાકભાજી પણ કોઈ ખરીદનાર નથી. શાકભાજી માર્કેટમાં સરકારનું કોઈ નિયંત્રણ નથી અને વેચાણ માટે કોઈ વ્યવસ્થા ઉભી નથી કરાઇ. જેને લઈને ખેડૂતોએ નુકશાન સહન કરવું પડે છે. શાકભાજીનો સંગ્રહ કરવાનું પણ હાલમાં શકય નથી. જો સંગ્રહ કરે તો શાકભાજી બે દિવસમાં બગડી જાય છે. (૨૪.૨)

(11:49 am IST)