Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ગુજરાતી ફિલ્‍મ ‘નાયિકા દેવી'નું બોલીવુડને પણ ટક્કર મારે તેવું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

ફિલ્‍મ ૬ મે ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે

મુંબઇ,તા. ૧૯: અત્‍યાર સુધી મહારાણી લક્ષ્મીબાઈનું નામ તો બધાએ સાંભળ્‍યું હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનાં સર્વપ્રથમ યોદ્ધા રાણી કોણ હતા. ૧૨મી સદીમાં પાટણનાં મહારાણી નાયિકા દેવી ભારતનાં સર્વપ્રથમ રાણી હતા, જે યુદ્ધકળામાં પણ પારંગત હતા, જેમણે મોહમ્‍મદ ઘોરીને યુદ્ધમાં ધૂળ ચટાવી હતી. હવે ઇતિહાસ માં પ્રથમ વખત અણહિલવાડ પાટણ પર બોલીવુડને પણ ટક્કર આપે એવી ફિલ્‍મ નાયિકાદેવી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રઈ છે. ફિલ્‍મને લઈને આજે એક કોન્‍ફરન્‍સ યોજાઈ હતી. જેમાં ફિલ્‍મના કલાકારો ઉપસ્‍થિત રહ્યા હતા અને ફિલ્‍મ વિશે વાત કરી હતી.. મહત્‍વનું છે કે આ ફિલ્‍મમાં જાણીતા બોલિવુડ કલાકાર ચંકી પાંડે પણ અભિનય કરી રહ્યા છે.

નાયિકા દેવીઃ ધ વોરિયર ક્‍વીન એક ઈતિહાસ પર આધારિત ફિલ્‍મ છે. આ ૧૨મી સદીની કથા છે. આ ફિલ્‍મ ભારતની પ્રથમ યોદ્ધા રાણી નાયિકા દેવીનાં જીવનની ઝલક બતાવશે. આ ફિલ્‍મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્‍યું છે. રૂંવાડા ઉભા થઇ જાય એવા ટ્રેલરને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ફિલ્‍મ ૬ મે ૨૦૨૨નું રોજ સિનેમાદ્યરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

મહારાણી લક્ષ્મીબાઈનું નામ તો બધાએ સાંભળ્‍યું હશે પરંતુ ચાલુક્‍ય વંશનાં મહારાણી નાયિકા દેવીએ પાટણ પર વર્ષો સુધી રાજ કર્યું હતું. તેમણે વર્ષ ૧૧૭૮માં થયેલ યુદ્ધમાં મોહમ્‍મદ ઘોરીને હરાવ્‍યો હતો. મોહમ્‍મદ ઘોરીને પૃથ્‍વીરાજ ચૌહાણે હરાવ્‍યો એ પહેલા પાટણનાં બહાદૂર મહારાણી નાયિકા દેવીએ તેને ધૂળ ચટાડી હતી. નાયિકા દેવી કદમ એટલે કે આજના ગોવાના મહામંડલેશ્વર પરમાનીનાં પુત્રી હતા.

નાયિકા દેવીનાં પતિ અજયપાલ સિંહની એમના જ અંગરક્ષકોએ હત્‍યા કરી હતી. ત્‍યારે એક પુત્રનાં માતા નાયિકા દેવી પર પાટણનું રાજ સંભાળવાની જવાબદારી આવી પડી. તેઓ યુદ્ધકળામાં પણ પારંગત હતાં. એક વિધવા રાણી પોતાનો શું સામનો કરી શકશે એમ ધારી મોહમ્‍મદ ઘોરી પોતાના સૈન્‍ય સાથે ગુજરાત પર ધસી આવ્‍યો હતો.

આબુ નજીકના સ્‍થળે થયેલા યુદ્ધમાં નાયિકા દેવીની આગેવાની હેઠળનાં લશ્‍કરે ઘોરીને હરાવ્‍યો હતો. ઘોરી ખરાબ રીતે દ્યાયલ થઈને હાર્યો હતો. તે પછી ઘોરીએ ૧૧ વર્ષ સુધી ભારત પર ચઢાઈ કરવાની હિંમત કરી શક્‍યો નહોતો. 

(10:29 am IST)