Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

'મુઝે ગર્વ હૈ મેં ભારતીય હુ' યુ-ટયુબ ઉપર રાષ્ટ્રવિરોને સમર્પિત ગીત લોન્ચ થયું

સંગીતકાર - ગાયિકા કુ. વિધીબેન ઉપાધ્યાય દ્વારા ગીતની પ્રસ્તુતિ...

રાજકોટ, તા. ૧૪ :. સ્વતંત્ર ભારત દેશની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે આપણા રાજકોટની દીકરી હાલમાં મુંબઈ મહારાષ્ટ્ર સ્થિત પ્રસિદ્ધ યુવા ગાયિકા કુમારી વિધીબેન ઉપાધ્યાયના મધુર કોકિલ કંઠે રાષ્ટ્રવિરોને સમર્પિત ગીતની રચના થઈ છે. ગીત જોતા અને સાંભળતા દેશ માટે સમર્પિત એવા વિરલાઓ જેમણે પોતાનું જીવન દેશ અને દેશની પ્રજા માટે સમર્પિત કર્યુ છે તેવા મહાનુભાવોના પરાક્રમ તથા સાહસના ખૂબ સારી રીતે આ ગીત દ્વારા દર્શન થાય છે, પછી એ આપણા દેશના જાંબાઝ સૈનિકો હોય કે ડોકટરો હોય કે કોરોના વોરિયર્સ હોય કે હાલમાં પુરી દુનિયાને સ્તબ્ધ કરનાર આપણા યુવા એથ્લેટિકસ ખેલાડીઓ હોય, સર્વેને હૃદયપૂર્વક સન્માન આ ગીત દ્વારા કરવામાં આવ્યું છે.

કુમારી વિધિબેનના દેશપ્રેમ ભાવના અને દેશ માટે કંઈક કરવાની પ્રબળ ઈચ્છા શકિત જ તેમને બીજા કરતા અલગ પાડે છે. સંગીત ક્ષેત્રમાં આવનારા સમયમાં જ્વલંત સફળતાના દાવેદાર તરીકે આ નારી શકિત ઉભરી છે જેમાં બેમત નથી. હાલમાં જ આ ગીત 'યુ-ટયુબ' ચેનલ પર 'વિધી ઉપાધ્યાય'ના ઓફિસીયલ ચેનલ પર આ ગીત હાલમાં જ લોન્ચ થયું છે. તો આવો આ ગીત સાંભળી અને તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા શેર કરીએ જેથી આપણી રાજકોટની દીકરીને પ્રોત્સાહન આપવા યોગદાન કરીએ અને તેની ઉજ્જવળ કારકિર્દીને બિરદાવીએ.

(12:56 pm IST)