Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વિદ્યા બાલન રૂપેરી પડદા પર બનશે ઇન્દિરા ગાંધી

ફિલ્મ લેખિકા સાગરિકા ઘોષ લિખિત અંગ્રેજી પુસ્તક 'ઇન્દિરાઃ ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર' પર આધારિત હશે

મુંબઇ તા. ૧૧ : અનેક એવોર્ડવિજેતા બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન એની કારકિર્દીની એક મહત્વાકાંક્ષી અને યાદગાર ભૂમિકા ભજવવાની છે. એ નવી ફિલ્મમાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કરવાની છે.  આ ફિલ્મ જાણીતાં મહિલા પત્રકાર અને લેખિકા સાગરિકા ઘોષ લિખિત અંગ્રેજી પુસ્તક 'ઈન્દિરાઃ ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઈમ મિનિસ્ટર'પર આધારિત હશે. આ વર્ષ ભારતનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીનું જન્મશતાબ્દી વર્ષ છે.

વિદ્યાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, મને એ કહેતા બહુ ખુશી થાય છે કે મેં સાગરિકા ઘોષનાં પુસ્તક 'ઈન્દિરા' પરથી હિન્દી ફિલ્મ બનાવવાનાં હક્ક મેળવ્યાં છે, કારણ કે ઈન્દિરા ગાંધીનો રોલ કરવાની મને કાયમ ઈચ્છા હતી. મેં હજી એ નક્કી કર્યું નથી કે તે કોઈ ફિલ્મ હશે કે વેબ સિરીઝ, પરંતુ હું એ રોલ ભજવવાની છું એ નક્કી છે.

ફિલ્મનું નિર્માણ વિદ્યાનાં પતિ અને જાણીતા ફિલ્મ નિર્માતા સિદ્ઘાર્થ રોય કપૂરની કંપની રોય કપૂર ફિલ્મ્સ કરશે. સાગરિકા ઘોષે પણ વિદ્યા સાથે કોન્ટ્રાકટ કરવા બદલ આનંદ વ્યકત કર્યો છે અને ટ્વીટમાં લખ્યું છે કે, ઈન્દિરાને રૂપેરી પડદા પર જોવાનું ખૂબ જ રોમાંચક હશે.

સાગરિકાએ વિદ્યાને અવ્વલ દરજ્જાની અભિનેત્રી તરીકે ઓળખાવી છે. સાગરિકાનાં પુસ્તકનું પ્રકાશન જુગરનોટ બુકસ દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં તેમણે ઈન્દિરા ગાંધીનાં જીવનચરિત્રને વ્યાપક રીતે રજૂ કર્યું છે. જેમાં ઈન્દિરાએ દેશમાં લાદેલી ઈમરજન્સીથી લઈને એમનાં પુત્ર સંજયનાં પોતાની પર રહેલાં વર્ચસ્વ તેમજ ઈન્દિરાનાં ખંડિત લગ્નજીવન તેમજ જોખમી ધાર્મિક રાજકારણ પ્રતિ એમને રહેલાં આકર્ષણની વાતો લખી છે.

(9:30 am IST)