<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાતા જ રાજકીય ગરમાવો, પ્રિયંકા ચતુર્વેદીનો તીખો કટાક્ષ

ઓબીસી મોરચાના આમંત્રિત સભ્ય તરીકે ચહલની નિયુક્તિ બાદ શિવસેના નેતાની ટિપ્પણીથી ચર્ચા, પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ શનિવારે ભાજપમાં જોડાયા, જેમને પાર્ટીમાં એક મહત્વનું પદ આપીને ઓબીસી મોરચાના આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ દરમિયાન, શિવસેના (યુબીટી) ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ તેમના પર કટાક્ષ કરતા કહ્યું કે એવું લાગે છે કે તેમને તેમના સુગર ડેડી મળી ગયા છે. પ્રિયંકા ચતુર્વેદીની આ કટાક્ષ ખાસ કરીને ચર્ચામાં રહી કારણ કે ચહલે ગયા વર્ષે જ છૂટાછેડા લીધા હતા, જેમણે 2020 માં કોરિયોગ્રાફર અને કન્ટેન્ટ સર્જક ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન પાંચ વર્ષ પણ ટકી શક્યા નહીં.

ભાજપમાં જોડાયા પછી, યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, "હું આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આદરણીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમરપાલ મૌર્યનો ભાજપ પરિવારમાં મને સ્થાન અને સન્માન આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું." યુઝવેન્દ્ર ચહલ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અમરપાલ મૌર્યને મળ્યા બાદ ભાજપમાં જોડાયા હતા, જેમાં 21 નવેમ્બરના રોજ જાહેર થયેલી પદાધિકારીઓની યાદીમાં ચહલ ઉપરાંત નિર્ભયા કેસના વકીલ સીમા કુશવાહા અને ઓડિશાના પ્રોફેસર અદ્વૈત ચરણ ગડનાયકનો પણ સમાવેશ કરવામાં આવ્યો.

ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ હાલમાં ટીમ ઈન્ડિયામાં નથી અને તે આઈપીએલ તેમજ ઘરેલુ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે, જોકે તેણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી નથી. હાલમાં તે હરિયાણા માટે મુશ્તાક અલી ટી20 ટીમનો સભ્ય છે અને પંજાબ કિંગ્સ ઈલેવન માટે પણ રમે છે. પાર્ટીના ઓબીસી મોરચાના ખાસ આમંત્રિત સભ્ય તરીકે તેમને સંગઠનાત્મક બેઠકો અને ચર્ચાઓમાં આમંત્રિત કરવામાં આવે છે, જ્યાં તેમની સત્તાવાર જવાબદારીઓ નિશ્ચિત ન હોવા છતાં જરૂર પડ્યે કોઈપણ જવાબદારી સોંપી શકાય છે.

ભારતીય રાજકારણમાં રમતગમત અને મનોરંજન ક્ષેત્રની જાણીતી હસ્તીઓને પક્ષમાં સામેલ કરીને જનસંપર્ક વધારવાની રણનીતિ અગાઉ પણ જોવા મળી છે. હાલમાં ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા ભાજપ પોતાના સંગઠનને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે, ત્યારે હવે જોવાનું રહેશે કે પાર્ટી ચહલને કયા સંગઠનાત્મક કાર્યો સોંપે છે અને ચૂંટણી પ્રચારમાં તેમની લોકપ્રિયતાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે.

(11:41 AM IST)