તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ભારતની અનુપમાનો વિશ્વ સ્નૂકરમાં સતત બીજો સુવર્ણ વિજય : હોંગકોંગની ખેલાડીને હરાવી ફરી વિશ્વવિજેતા બની
પ્રથમ ફ્રેમ હાર્યા પછી જબરદસ્ત વાપસી : સતત ત્રણ ફ્રેમ જીતીને ૩-૧થી ખિતાબ પોતાના નામે કર્યો : ભારતીય મહિલા રમતજગતમાં ગૌરવની ક્ષણ

ઇન્દોર : ભારતની પ્રતિભાશાળી મહિલા સ્નૂકર ખેલાડી અનુપમા રામચંદ્રને આંતરરાષ્ટ્રીય મહિલા સ્નૂકર વિશ્વ ચેમ્પિયનશિપમાં સતત બીજી વખત ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાયેલી સ્પર્ધાની ફાઇનલમાં તેમણે હોંગકોંગની સો માન યાનને ૩-૧થી પરાજય આપ્યો હતો.
શનિવારે યોજાયેલી ખિતાબી મેચમાં અનુપમાની શરૂઆત અપેક્ષા મુજબ થઈ નહોતી. પ્રથમ ફ્રેમમાં હોંગકોંગની ખેલાડીએ ૫૮-૧૬ના અંતરથી જીત મેળવીને ભારતીય ખેલાડી ઉપર દબાણ ઊભું કર્યું હતું. જોકે અનુપમાએ હિંમત ગુમાવવાને બદલે રમત ઉપર ફરી નિયંત્રણ મેળવ્યું હતું.
ત્યારબાદની સતત ત્રણ ફ્રેમમાં અનુપમાએ ઉત્તમ પ્રદર્શન કરીને ફાઇનલ જીતી લીધી હતી. આ સફળતા સાથે તેમણે અગાઉના વર્ષે મેળવેલો વિશ્વવિજેતાનો તાજ જાળવી રાખ્યો છે.
અગાઉ અનુપમા આંતરરાષ્ટ્રીય સ્નૂકર સંઘની મહિલા વિશ્વ ચેમ્પિયનશિપ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની હતી. હવે સતત બે વખત વિશ્વ ખિતાબ જીતવાની સિદ્ધિ તેમના નામે નોંધાઈ છે.
ઇન્દોરના યશવંત ક્લબમાં યોજાયેલી આ સ્પર્ધામાં યજમાન દેશની ખેલાડી તરીકે તેમની સફળતા વિશેષ મહત્વની બની છે. પ્રથમ ફ્રેમ હાર્યા છતાં દબાણ સામે ધીરજ રાખીને વિજય મેળવવો તેમની રમતની પરિપક્વતાનો પુરાવો છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
