તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં દિલ્હીનો નિખિલ ચૌધરી છવાયો : ઈંગ્લેન્ડ સામે ધમાકેદાર પ્રદર્શનથી ત્રણ વિકેટે વિજય
૩૮ બોલમાં ૬૬ રન અને માત્ર ૨૧ રન આપી બે વિકેટ ઝડપી : ભારતથી ખાસ આવેલા માતા-પિતાની હાજરીમાં શ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર મેળવ્યો

મેલબર્ન : દિલ્હીમાં જન્મેલા ભારતીય મૂળના ક્રિકેટર નિખિલ ચૌધરીએ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમ તરફથી રમતાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વીસ ઓવરની આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. શનિવાર, ૨૧ નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ મેદાન ખાતે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૮૭ રન બનાવ્યા હતા.
નિખિલે ચાર ઓવરમાં માત્ર ૨૧ રન આપીને બે મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ૧૮૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં તેણે માત્ર ૩૮ બોલમાં ૬૬ રનની આક્રમક ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરમાં જેક એડવર્ડ્સની ઉપયોગી બેટિંગથી ઓસ્ટ્રેલિયાએ એક બોલ બાકી રાખીને ત્રણ વિકેટે વિજય મેળવ્યો હતો. નિખિલને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયો હતો.
ખાસ વાત એ છે કે તેના માતા-પિતા ભારતથી મેચ જોવા પહોંચ્યા હતા. વર્ષ ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયા ગયેલો નિખિલ કોરોના મહામારીને કારણે ત્યાં રોકાઈ ગયો હતો. ત્યારબાદ ક્લબ ક્રિકેટ, તાસ્માનિયા અને હોબાર્ટ હરિકેન્સ તરફથી રમતાં તેણે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમ સુધીની સફર પૂર્ણ કરી છે. ભારતથી શરૂ થયેલી તેની ક્રિકેટ કારકિર્દી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સફળતા મેળવી રહી છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
