<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

4 બોલમાં ઝડપી નાખી 4 વિકેટ :રેલવેના 23 વર્ષીય ફાસ્ટ બોલર જમશેદ આલમએ ડેબ્યુ મેચમાં ઇતિહાસ રચ્યો

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે સતત ચાર બોલમાં ચાર વિકેટ લઈને અનોખી સિદ્ધિ હાંસલ કરી : T20 ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો ભારતીય બોલર બની ગયો

નવી દિલ્હી: T20 ક્રિકેટમાં હેટ્રિક લેવી કોઈ પણ બોલર માટે ખાસ સિદ્ધિ હોય છે, પરંતુ આ ખેલાડીએ પોતાની ડેબ્યૂ મેચમાં જ એવું કારનામું કરી બતાવ્યું કે ક્રિકેટ જગતમાં તેની ચર્ચા થવા લાગી છે. રેલવેના આ 23 વર્ષીય ફાસ્ટ બોલરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે સતત ચાર બોલમાં ચાર વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. T20 ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. એટલું જ નહીં, તેણે માત્ર 9 બોલમાં પાંચ વિકેટ લઈને પોતાનું ડેબ્યૂ યાદગાર બનાવી દીધું છે. પુરુષોની T20 ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં પાંચ વિકેટ લેનાર તે છઠ્ઠો ભારતીય બોલર પણ બની ગયો છે.

   પહેલી જ ઓવરમાં ચાર બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા - ઇન્દોરમાં રમાયેલી આ મેચમાં રેલવેએ પહેલાં બેટિંગ કરતાં 5 વિકેટે 182 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમને 23 વર્ષના જમશેદ આલમે પોતાની પહેલી જ ઓવરમાં મુશ્કેલીમાં મૂકી દીધી હતી. ઇનિંગ્સની ચોથી ઓવરમાં તેણે હર્વિક દેસાઈ, પ્રેરક માંકડ, રુચિત અહીર અને સમ્મર ગજ્જરને સતત ચાર બોલમાં આઉટ કર્યા હતા. જોતજોતામાં સૌરાષ્ટ્રની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી

ત્યાર બાદ જમશેદે પોતાની આગલી ઓવરમાં સિદ્ધાર્થ રાણાને પણ પેવેલિયન ભેગો કર્યો અને પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. તેણે કુલ 3.5 ઓવરમાં 38 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેની શાનદાર બોલિંગ સામે સૌરાષ્ટ્રની ટીમ 8 વિકેટે માત્ર 153 રન જ બનાવી શકી હતી અને રેલવેએ આ મુકાબલો 29 રનથી જીતી લીધો હતો

આ બે ભારતીય બોલરોની બરાબરી કરી - T20 ક્રિકેટમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ લેવાનું કારનામું જમશેદ આલમ પહેલાં ભારતના માત્ર બે જ બોલર કરી શક્યા હતા. કર્ણાટકના અભિમન્યુ મિથુને નવેમ્બર 2019માં હરિયાણા સામે આ સિદ્ધિ મેળવી હતી. ત્યાર બાદ વિદર્ભના દર્શન નાલકંડેએ નવેમ્બર 2021માં કર્ણાટક સામે સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ છે કે આ બંને બોલરોએ પોતપોતાની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે જમશેદે ઇનિંગ્સની શરૂઆતમાં જ આવું કારનામું કરી બતાવ્યું હતું

જમશેદ આલમ 23 વર્ષનો રાઈટ આર્મ મીડિયમ પેસર છે અને સ્થાનિક ક્રિકેટમાં રેલવેનું પ્રતિનિધિત્વ કરે છે. તે ઉત્તર પ્રદેશ T20 લીગમાં રિંકુ સિંહની કપ્તાની હેઠળ મેરઠ મેવેરીક્સ તરફથી પણ રમી ચૂક્યો છે. આ ઉપરાંત તે રેલવેની અંડર-23 ટીમ માટે સી.કે. નાયડુ ટ્રોફીમાં પણ ભાગ લઈ ચૂક્યો છે. આ જ વર્ષે તેણે T20 મુંબઈ લીગમાં આકાશ ટાઇગર્સ MWS તરફથી પણ રમી હતી.

(10:14 PM IST)