તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
જુનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમાનું સૌથી કઠિન ચડાણ નળપાણીની ઘોડી પાસે ગઈકાલે હૈયે હૈયું દળાય એટલી ભીડ જામી'તી : જુઓ વિડીયો
36 કિમીના રૂટ પર પગ મૂકવાની જગ્યા ન રહી, મોડી સાંજ સુધીમાં 3 લાખથી વધુ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી : 2 લાખથી વધુએ પરિક્રમા પૂર્ણ કરી : તમામ પડાવ ભરચક્ક

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : ગરવા ગિરનારની લીલી પરિક્રમાના બીજા દિવસે ગઈકાલે રૂટ પર હૈયે હૈયું દળાય એટલી ભીડ જોવા મળી હતી. ખાસ કરીને પરિક્રમાનું સૌથી કઠિન ચડાણ ગણાતી નળપાણીની ઘોડી પાસે ભાવિકોનો મહાસાગર ઉમટી પડ્યો હતો. આજે તમામ પડાવ ભરચક્ક રહ્યા હતા. રૂટ પર પગ મૂકવાની જગ્યા રહી ન હોય તેવી સ્થિતિ હતી.
વન વિભાગ દ્વારા નળપાણીની ઘોડી ખાતે શરૂ કરાયેલા ગણતરી પોઈન્ટ પર ગઈકાલે મોડી સાંજ સુધીમાં 3 લાખથી વધુ યાત્રિકોએ નળપાણીની ઘોડી વટાવી લીધી હતી. તેમાંથી 2 લાખથી વધુ યાત્રિકો પરિક્રમા પૂર્ણ કરીને રવાના થઈ ગયા હતા. હજુ રૂટ પર અઢી-ત્રણ લાખ જેટલા ભાવિકો હોવાનો અંદાજ છે. ગઈકાલે સાંજ સુધી પ્રવેશદ્વાર પરથી પરિક્રમા કરવા માટે યાત્રિકોનો પ્રવાહ જતો જોવા મળ્યો હતો.
ગઈકાલે વહેલી સવારથી ગિરનારની લીલી પરિક્રમા માટે ગેટ ખોલી નાખવામાં આવ્યો હતો. જ્યારે રાત્રિના 12 વાગ્યે સાધુ-સંતો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જય ગિરનારીના નાદ સાથે વિધિવત પરિક્રમાનો પ્રારંભ થયો હતો. આ સમયે પણ મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા રૂટ પર રવાના થયા હતા. ગઈકાલે જીણાબાવાની મઢી, સરકડીયા, માળવેલા, નળપાણીની ઘોડી, બોરદેવી પડાવ ભરચક્ક રહ્યા હતા.
36 કિલોમીટરના રૂટ પર મોટાભાગના સ્થળોએ પગ મૂકી શકાય તેટલી પણ જગ્યા રહી ન હતી. ભાવિકોએ બપોરે અન્નક્ષેત્રોમાં ભોજન-પ્રસાદ લીધો હતો તો સાથે કાચો સીધો લઈ આવેલા યાત્રિકોએ જંગલમાં રસોઈ બનાવી વન ભોજનનો આનંદ માણ્યો હતો. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન પરિક્રમાના કારણે હાલ જંગલમાં મંગલ માહોલ છવાયો છે.
ગત વર્ષે ભારે વરસાદના કારણે ગિરનાર લીલી પરિક્રમા થઈ શકી ન હતી. તેથી આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ભાવિકો આવે તેવી અપેક્ષા હતી, જે સાચી પડી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પણ નળપાણીની ઘોડી જેવા કઠિન અને ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણી, લાઈટ, આરોગ્ય અને સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.(તસ્વીર: મુકેશ વાઘેલા-જુનાગઢ)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
