<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

તબીબો વિરુદ્ધ ભ્રામક રીલ્સ અને બદનક્ષીકારક સામગ્રી સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગરનું કડક વલણ

૩૦૦થી વધુ તબીબોની ઉપસ્થિતિમાં અસાધારણ સામાન્ય સભા, કાયદેસર કાર્યવાહીનો સર્વાનુમતે નિર્ણય

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :સોશિયલ મીડિયા પર કેટલાક તત્ત્વો દ્વારા તબીબો અને આરોગ્ય સંસ્થાઓ વિરુદ્ધ ફેલાવવામાં આવતી ભ્રામક, પાયાવિહોણી અને સંભવિત બદનક્ષીકારક સામગ્રી સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, ભાવનગર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આવી પ્રવૃત્તિઓથી તબીબોની પ્રતિષ્ઠા અને તબીબ-દર્દી વચ્ચેના વિશ્વાસને નુકસાન પહોંચી રહ્યું છે.

આ મુદ્દે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગરની અસાધારણ સામાન્ય સભામાં ૩૦૦થી વધુ તબીબોની ઉપસ્થિતિમાં ૩૦૦ થી વધુ વિવાદાસ્પદ રીલ્સની સમીક્ષા કરવામાં આવી હતી.
સભામાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે તથ્યચકાસણી અને કાનૂની સમીક્ષા બાદ ખોટી માહિતી, બદનક્ષી, ધમકી કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિના પુરાવા મળે તેવા કિસ્સાઓમાં અસરગ્રસ્ત તબીબોને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સંપૂર્ણ સંસ્થાકીય અને કાનૂની સહયોગ આપવામાં આવશે. જરૂર જણાયે લાગુ પડતા કાયદા હેઠળ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ, સિવિલ બદનક્ષીના દાવા તથા ક્રિમિનલ બદનક્ષીની ફરિયાદો સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર સ્પષ્ટ કરે છે કે તે કોઈપણ તબીબ કે હોસ્પિટલની બેદરકારીને સમર્થન આપતું નથી. દરેક દર્દીને ફરિયાદ કરવાનો અને ન્યાય મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે. પરંતુ તથ્યોની ચકાસણી વિના સોશિયલ મીડિયા પર એકતરફી મીડિયા ટ્રાયલ ચલાવવાને બદલે યોગ્ય મેડિકલ કાઉન્સિલ, ગ્રાહક આયોગ અથવા ન્યાયતંત્ર જેવા કાયદેસરના મંચોનો ઉપયોગ કરવા નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
દર્દીના અધિકારોનું સન્માન, તબીબોની પ્રતિષ્ઠાનું રક્ષણ અને સત્યના આધારે ન્યાય — એ જ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગરનો સંકલ્પ છે તેમ પ્રમુખ હરદેવસિંહ મોરી,ડો. એમ .આર. કાનાણી, ડો. દિલીપ હડિયલ વિગેરે જણાયું હતું

(5:22 PM IST)