<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ગિરનાર લીલી પરિક્રમામાં સરકડિયા ઘોડી નજીક દીપડો દેખાતા થોડા સમય માટે પરિક્રમા માર્ગ બંધ કરી દેવો પડ્યો : ટ્રેકર ટીમે દીપડાને દૂર ખસેડ્યા બાદ માર્ગ ફરી ખુલ્લો : જુઓ વિડિયો

ગઈકાલે રાત્રે વન્યજીવની હાજરીથી યાત્રિકોની સુરક્ષા માટે સાવચેતીના ભાગરૂપે નિર્ણય, કોઈ અનિચ્છનીય ઘટના ન બની : રેસ્ક્યુ ટીમ રાત્રિ દરમિયાન સ્થળ પર જ તૈનાત રહી, વન વિભાગની અપીલ : નિર્ધારિત માર્ગ છોડીને જંગલમાં ન જવું

જૂનાગઢ તા.૨૨ : ગિરનાર વન્યજીવ અભયારણ્ય એ સિંહ, દીપડા તથા અન્ય માંસાહારી વન્યજીવોનું કુદરતી રહેઠાણ છે. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ગઈકાલે રાત્રે સરકડિયા ઘોડી નજીક દીપડો જોવા મળ્યો હતો.

 

વન્યજીવની હાજરી અને યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સાવચેતીના ભાગરૂપે પરિક્રમા માર્ગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ વન વિભાગની ટીમ તથા ટ્રેકર ટીમ દ્વારા સફળતાપૂર્વક દીપડાને માર્ગ પરથી દૂર ખસેડવામાં આવ્યો હતો. પૂરતી ખાતરી અને સુરક્ષા વ્યવસ્થા કર્યા બાદ પરિક્રમા માર્ગ યાત્રિકો માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

 

કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેસ્ક્યુ ટીમ રાત્રિ દરમિયાન સ્થળ પર જ તૈનાત રહી હતી. યાત્રિકોની સુરક્ષા વન વિભાગની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વન વિભાગ યાત્રિકોની સલામતી માટે સતત સતર્ક અને પ્રતિબદ્ધ છે.

 

તમામ યાત્રિકોને વિનંતી છે કે પરિક્રમા દરમિયાન નિર્ધારિત માર્ગથી જ પસાર થવું, માર્ગ છોડીને જંગલ વિસ્તારમાં ન જવું તથા કોઈપણ વન્યજીવ દેખાય તો તાત્કાલિક નજીકના વન વિભાગના કર્મચારીને જાણ કરવી.

 

સૌના સહકારથી સુરક્ષિત અને પ્રકૃતિમૈત્રી પરિક્રમા સુનિશ્ચિત કરીએ.(તસવીર:મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:16 PM IST)