<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

ચાર મહિના પહેલા જ પરણેલા કુતિયાણાના ખાગેશ્રીના મહેશ વાળાનો ઝેર પી આપઘાત

વાડીએ પગલુ ભરી લીધું: સારવારમાં રાજકોટમાં દમ તોડયોઃ બિમારીથી પગલુ ભર્યાનું સ્‍વજનનું કથન

રાજકોટ તા. ૯: પોરબંદરના કુતિયાણા તાબેના ખાગેશ્રી ગામે રહેતાં બાવીસ વર્ષના યુવાને ઝેર પી આપઘાત કરી લીધો છે. કરૂણતા એ છે કે ચાર મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ખાગેશ્રી ગામે રહેતાં મહેશ વિજયભાઇ વાળા (ઉ.વ.૨૨) નામના યુવાને ગત તા. ૪ના રોજ વાડીએ હતો ત્‍યારે ઝેરી દવા પી લેતાં કુતિયાણા, પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ ગત મોડી રાતે તેનું મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ કુતિયાણા પોલીસને જાણ કરતાં પોલીસે રાજકોટ આવી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર મહેશ કડીયા કામ અને ખેતી મજૂરી કરતો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. ચાર મહિના પહેલા જ તેના લગ્ન આરતી નામની યુવતિ સાથે થયા હતાં. પિતા વિજયભાઇ વાળાના કહેવા મુજબ મહેશને માનસિક બિમારીની અસર થઇ ગઇ હોઇ તેની દવા ચાલુ હતી. બિમારીથી કંટાળીને પગલુ ભર્યુ હતું. લગ્નના ચાર જ મહિનામાં ચુડી ચાંદલો ગુમાવનાર નવોઢા આ ઘટનાથી આઘાતમાં ગરક થઇ ગઇ છે. પોલીસે આપઘાતનું સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(11:56 AM IST)