તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
સોમવતી અમાસ અને શ્રાવણના પાવનપર્વે પિતૃતર્પણઃ શિવના દર્શન કરવા રફાળેશ્વર, મોરબી સહિત શિવમંદિરોમાં ભકતો ઉમટી પડ્યા
રફાળેશ્વર મંદિરે સોમવતી અમાસ નિમિતે શ્રધ્ધાભેર પિતૃતર્પણઃ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવભકતો શિવાલયોમાં ઉમટી પડી શિવજીના આરાધના કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૩: શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને છેલ્લો સોમવારનો અદભુત સંયોગ રચાયો હતો. આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવ્યા હતા. જેમાં સોમવારે જ શ્રાવણ માસ શરૂ થયો હોય અને સોમવારે શ્રાવણ માસ પૂરો થયો હોય તેમજ ઘણા વર્ષો પછી શ્રાવણ માસના છેલ્લા દિવસે અને સોમવારે સોમવતી અમાસ આવી હતી. આથી. શ્રાવણ માસના છેલ્લા દિવસે અને આખરી સોમવારે તેમજ સોમવતી અમાસનો ત્રિવેણી સંગમ સર્જાતા શિવભકતો આજે શિવાલયોમાં ઉમટી પડ્યા હતા.
મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે લોકો ઉમટી પડ્યા હતા અને સોમવતી અમાસ નિમિતે લોકોએ શ્રદ્ધાભેર પિતૃતર્પણ કરીને ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા. આ ઉપરાંત જંગલેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ, કુબેરનાથ મંદિર, અગનેશ્વર મહાદેવ મંદિર, શંકર આશ્રમ ખાતે નીલકંઠ મહાદેવ મંદિર, વાંકાનેર નજીક આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, મોરબીના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર સહિતના તમામ વિસ્તારમાં આવેલા નાના મોટા શિવાલયોમાં ભકતો ઉમટી પડીને શિવદર્શનનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો. જો કે ઘણા શિવભકતોએ આખો શ્રાવણ માસ એકટાણા-ઉપવાસ કરી તેમજ નિયત શિવ દર્શન કરીને શિવજીની ઉપાસના કરી હતી.
પવિત્ર શ્રાવણ માસનો ગઇ કાલે અંતિમ દિવસ હતો. સોમવતી અમાસના દિવસે ભકતો પૂજન અર્ચન કરી રહ્યા છે ત્યારે મોરબીમાં રહેતા કિરણબેન મારૂએ અમરનાથ જ્યોતિલિંગ અને દ્વારકા જ્યોતિલિંગ દર્શનનું અનેરું આયોજન કર્યું છે તેઓએ ૧૨ જ્યોતિલિંગ પણ બનાવ્યા હોય જેના દર્શન ભકતોએ કર્યા છે
શહેરના રોયલ પાર્કમાં રહેતા કિરણબેન હિતેન્દ્રભાઈ મારૂ છેલ્લા ૭ વર્ષથી ભકિતભાવ પૂર્વક જ્યોતિલિંગ બનાવે છે તેઓએ હાલ સોમવતી અમાસ નિમિતે અમરનાથ જ્યોતિલિંગ અને દ્વારકા જ્યોતિલિંગના આહલાદક દર્શન નિહાળવાનું આયોજન કર્યું છે ત્યારે ભકતો દર્શન માટે ઉમટી રહ્યા છે.
શ્રાવણ માસમાં સાક્ષાત મહાદેવની કૃપા સમાન ૧૨ જ્યોતિલિંગના દર્શનનો લાભ લેવો એ દરેક વ્યકિત માટે પોતાની જાતને ભાગ્યશાળી ગણવા યોગ્ય છે. ત્યારે મોરબીમાં ઘરેબેઠા શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે સોમવારને અમાસના પવિત્ર દિવસે પંચમુખ રોકડીયા હનુમાનજી અને સોમનાથ મહાદેવ મંદિર દ્વારા એકસાથે ૧૨ જ્યોતિલિંગના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આથી તમામ શિવભકતો અને ધર્મપ્રેમી જનતાને ૧૨ જ્યોતિલિંગના દર્શનનો લાભ લેવા આયોજકોની યાદીમાં જણાવાયું છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
