<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

બોટાદની ગૌશાળામાં બે દિ'માં ૪૦ ગાયોના મોત : મિથીલાનંદબાપુની ધરપકડ

ગ્રામજનોએ દરોડો પાડતા મામલો બહાર આવ્‍યો : ૧૦૦ જેટલી ગાયો બિમાર : સાલૈયા ગામ પાસે રાધિકા પાંજરાપોળમાં પાંચસો ગાયો રખાઇ છે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩ : બોટાદના સાલૈયા ગામ નજીક ભુતડા દાદાના ડુંગર ઉપર આવેલી ‘રાધિકા પાંજરાપોળ'માં આશરે ૫૦૦થી વધુ ગાયો રાખવામાં આવી હતી. ગૌશાળામાં ગાયોનાં મૃત્‍યુ થતાં હોવાની માહિતી મળતા રવિવારે મોટી સંખ્‍યામાં સાલૈયા અને આજુબાજુનાં ગામોના લોકો પાંજરાપોળમાં પહોંચ્‍યા હતા અને ગામ લોકોને ૩૫ જેટલી ગાયના મૃતદેહ સ્‍થળ પરથી મળી આવ્‍યા હતા.

લોકોએ આ ઘટનાની પોલીસને જાણ કરી હતી. ગામલોકો અને પોલીસની ટીમ પાંજરાપોળની અંદર પ્રવેશ કર્યો તો બીજી અનેક ગાયો બીમાર હાલતમાં અને કેટલીક મૃત હાલતમાં મળી આવી હતી. ગામલોકોએ પશુચિકિત્‍સકને બોલાવીને બીમાર ગાયોની સારવાર કરાવી હતી.

સાલૈયા ગામમાં રહેતા રમેશ પટેલે જણાવ્‍યું હતું કે, ‘બે દિવસથી લોકો ફરીયાદ કરતા હતા કે ગાયો મૃત્‍યુ પામી રહી છે અને એટલે અમે પાંજરાપોળમાં જઈને સમગ્ર સ્‍થિતિનો તાગ મેળવવાનું નક્કી કર્યું હતું. અમે જયારે અંદર પહોંચ્‍યા ત્‍યારે ગાયો મૃત અવસ્‍થામાં મળી આવી હતી. આશરે ૧૦૦ જેટલી ગાયો ગંભીર રીતે બીમાર હતી.''

‘અમે પાંજરાપોળની આસપાસ તપાસ કરી તો કેટલીક ગાયો જમીનમાં દાટવામાં આવી હતી અને કેટલીક ગાયોના મૃતદેહને ખુલ્લામાં છોડી દેવામાં આવ્‍યા હતા.'

ગામલોકોના કહેવા અનુસાર ભોજન અને પાણીના અભાવે ગાયોનાં મોત થયાં છે. તેમનો દાવો છે કે પાંજરાપોળની અંદર ઘાસચારો અને પાણીની કોઈ યોગ્‍ય વ્‍યવસ્‍થા નહોતી, જેના કારણે આ ઘટના ઘટી છે.

ᅠપાંજરાપોળની સ્‍થિતિ

સ્‍થાનિક રહીશ વિજયભાઈ દલવાણિયા કહે છે, ‘પાંજરાપોળમાં માત્ર એક જ વ્‍યક્‍તિ કામ કરે છે. આટલી બધી ગાયોની સંભાળ લેવી એકલી વ્‍યક્‍તિ માટે અશક્‍ય છે. અમે અંદર ગયા ત્‍યારે એક પણ જગ્‍યાએ પાણીની વ્‍યવસ્‍થા નહોતી. જે સંખ્‍યામાં મૃતદેહો મળ્‍યા છે તેને જોતા લાગે છે કે ૫૦થી ૬૦ ગાયો મૃત્‍યુ પામી હોઈ શકે છે. અમને ૩૫ ગાયોના મૃતદેહો દાટેલી અવસ્‍થામાં મળ્‍યા છે.'

ᅠપશુચિકિત્‍સક આર. જી. માળીએ ભૂખ્‍યા અને તરસ્‍યા રહેવાનાં કારણે ગાયોનું મૃત્‍યુ થયું હોવાની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું, ‘ગાયોના મૃતદેહના પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્‍યું છે કે ભૂખ્‍યા રહેવાથી અને શરીરમાં પાણીના અભાવે તે મૃત્‍યુ પામી છે. અમે ૧૦૦થી વધુ ગાયોની સારવાર કરાવી છે. હાલ બધી ગાયોને બીજી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી છે.'

બોટાદ પોલીસે આ ઘટનામાં રાધિકા ગૌશાળા પાંજરાપોળના સંચાલક મિથીલાનંદ બાપુ સામે ફરીયાદ દાખલ કરી છે.

પોલીસે રવિવાર મોડી સાંજે મિથીલાનંદ બાપુની ધરપકડ પણ કરી હતી.

આ ઘટના મામલે ડિવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્‍યું હતું, ‘આ ગૌશાળામાં લગભગ ૪૦ જેટલી ગાયનાં ભૂખ અને તરસ તથા યોગ્‍ય સારસંભાળ ન રાખવાને કારણે મૃત્‍યુ થયાંનું જણાયું છે. અમે સંચાલકની ધરપકડ કરી છે. જેથી બોટાદ શહેર પોલીસ સ્‍ટેશન ખાતે ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૩૨૫ તથા પ્રાણી પ્રત્‍યે ઘાતકી વલણ દેખાડવા મામલે અધિનિયમ ૧૧ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. આરોપીની તપાસ ચાલુ છે. આ મામલે જે કોઈ અન્‍યની સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.'

સચીન પીઠવાએ જણાવ્‍યું હતું કે, ‘ઘટના બાદ હાલ પાંજરાપોળને બંધ કરી દેવામાં આવી છે. એક પણ ગાય ત્‍યાં નથી. સાલૈયા ગામમાં પણ હાલ સ્‍થિતિ સામાન્‍ય છે. ગાયોનાં મૃત્‍યુ લઈને તમામ આક્ષેપોને પાંજરાપોળના સંચાલકોએ ફગાવી દીધા છે. અમુક પશુઓ બીમાર હોવાના કારણે મૃત્‍યુ થયું હોવાનું ગૌશાળાના સંચાલકોએ જણાવ્‍યું છે.'

રાજકારણ ગરમાયું

હાલ સમગ્ર જિલ્લામાં આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આ મુદ્દે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

આપના ધારાસભ્‍ય ઉમેશ મકવાણાએ ઘટનાની યોગ્‍ય તપાસ કરવા માટે મુખ્‍ય મંત્રીને પત્ર લખ્‍યો છે. તેમણે માગ કરી છે કે પાંજરાપોળને ગાય દીઠ ૧૦૦ રૂપિયા નિભાવ ખર્ચ તરીકે આપવામાં આવે જેથી ફરીથી આવી સ્‍થિતિનું પુનરાવર્તન ન થાય.

તેમના લખ્‍યા પ્રમાણે, ‘રાધિકા પાંજરાપોળમાં છેલ્લા બે દિવસમાં ૪૦થી વધુ પશુઓનાં મૃત્‍યુ થયાં છે. આવી ઘણી બધી પાંજરાપોળ છે જયાં રાજય સરકાર દ્વારા સમયસર સહાય ચૂકવવામાં આવતી નથી અને જે રકમ ચૂકવવામાં આવે છે તે ખૂબ જ નજીવી છે. એક ગાય પર માત્ર ૨૫ રૂપિયા ચૂકવવામાં આવે છે જેમાં ગાયોની સારસંભાળ કરવી ખૂબ જ મુશ્‍કેલ હોય છે. જો રકમ વધારવામાં આવે તો પાંજરાપોળોને ફાયદો થશે.ઙ્ખઙ્ખ

બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ જણાવ્‍યું છે કે ‘પાંજરાપોળને અમે લાંબા સમયથી મદદ કરી રહ્યા છે અને સમગ્ર ઘટના પણ નિંદનીય છે. અમે પણ આ ઘટનાથી શોકમગ્ન છીએ. જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર મામલામાં ત્‍વરિત કાર્યવાહી કરી છે. અમે સરકારને વિનંતી કરી છે કે આવી પાંજરાપોળની તપાસ કરીને યોગ્‍ય કાર્યવાહી કરવી જોઈએ. જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

(12:05 PM IST)