<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

રાજકોટ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણીઃ ૫૭૦ બંદીવાન ભાઇઓને ૧૭૦૦ બહેનોએ રાખડી બાંધીઃ લાગણીસભર દ્રશ્‍યો

જેલતંત્ર દ્વારા વ્‍યવસ્‍થા ગોઠવાઇઃ બહેનો રાખડી બાંધે પછી ભેટ સ્‍વરૂપે વૃક્ષના રોપા આપી તેનો ઉછેર કરવાના સંકલ્‍પ લેવડાવાયો

સેન્‍ટ્રલ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી થઇ હતી. જેલમાં રહેલા બંદીવાન એવા ૫૭૦ ભાઇઓને તેમની ૧૭૦૦ બહેનોએ રાખડી બાંધી હતી. તેમજ ૧૦ મહિલા બંદીવાન બહેનો પાસે બહારથી આવેલા તેમના ભાઇઓએ રાખડી બંધાવી હતી ત્‍યારે લાગણીસભર દ્રશ્‍યો સર્જાયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે રહેલ બંદીવાન ભાઇઓ/બહેનો માટે રાખડી (રક્ષાસુત્ર) બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમ રાજ્‍યના જેલ પોલીસ વડા  ડૉ.કે.એલ.એન.રાવ  તેમજ જેલ અધિક્ષક રાઘવ જૈનના માર્ગદર્શન હેઠળ સવારના સવારના ૮થી બપોરના ૩ સુધી યોજાયો હતો. આ વર્ષે રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે જેલમાં રહેલ બંદીવાન ભાઈઓ દ્વારા તેમની બહેનોને ભેટ આપવામાં આવે તેવા શુભ આશયને ધ્‍યાનમાં લેતા પર્યાવરણ પ્રમી જેલોના વડા ડૉ.રાવ  દ્વારા સકારાત્‍મક નિર્ણય લઈ બહારથી આવતી બહેનો તેમના ભાઇઓને રાખડી બાંધે અને ત્‍યાર બાદ જેલમાં રહેલ બંદીવાન ભાઈઓ દ્વારા તેમની બહેનોને ભેટ સ્‍વરૂપે બાળવળક્ષ (રોપા) આપી પવિત્ર પર્વની ઉજવણી કરે તેવો સંકલ્‍પ લેવડાવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં બપોરના એક વાગ્‍યા સુધીમાં જેલમાં રહેલા આશરે ૫૭૦ પુરૂષ બંદીવાનોને બહારથી આવેલા ૧૭૦૦ બહેનોએ રાખડી  બાંધેલ હતી. તેમજ આશરે ૧૦ બંદીવાન બહેનોએ બહારથી આવેલ તેમના ભાઇઓને રક્ષાસુત્ર (રાખડી) બાધેલ હતી. આ પ્રસંગે ભાઇ-બહેનના લાગણીસભર દ્રશ્‍યો સર્જાયા હતા. કાર્યક્રમ સફળ બનાવવા માટે રાજકોટ જેલ તંત્ર દ્વારા અલાયદી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ હતી. કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે જેલ પોલીસ ઉપરાંત પોલીસ કમિશનર રાજકોટ શહેર  દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.બંદીવાનોના ભાઇઓ તથા બહેનોના બહારથી આવેલા પરીવારજનો માટે જેલ તંત્ર દ્વારા શુસોભિત થાળી, શગુનના ચોખા, કંકુ તેમજ જે બહેન મીઠાઈ ખરીદી ન શકે તેના માટે નિઃશુલ્‍ક મીઠાઈની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આ ઉપરાંત જેલના બેકરી વિભાગમાં તૈયાર થતી મીઠાઈનું રાહતદરે વેચાણ કરવામાં આવેલ હતુ.

તમામ બહેનોને શાંતીપુર્ણ રાખડી બાંધવાની તક મળે તે માટે સુચારૂ આયોજન કરવામાં આવેલ હતુ. બંદીવાનોના પરીવારજનો દ્વારા જેલ તંત્રને પુરતો સહયોગ આપવામા આવેલ હતો. આ પાવન પર્વ નિમિતે જેલના ઇન્‍ચાર્જ અધિક્ષક એ.આર.કુરેશી ે દ્વારા જેલમાં રહેલ તમામ બંદીવાન ભાઇઓ/બહેનોને રક્ષાબંધનની શુભેચ્‍છા પાઠવેલ હતી. આ કાર્યક્રમના સફળ આયોજન માટે સિનિયર જેલર એલ.એમ.રાઠોડ,  પી.કે.ચુડાસમા તથા તેમની ટીમ દ્વારા ખાસ જહેમત ઉઠાવેલ હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમ્‍યાન જેલની શિસ્‍ત અને સલામતી જળવાઇ રહેલ હતી અને કોઇ અનિચ્‍છનિય બનાવ બન્‍યો નહોતો.

(3:55 PM IST)