તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
બાબરાના કલોરાણામાં ઇકોની ઠોકરે બાઇક ચડતાં બે મિત્રો ફંગોળાઇ ગયાઃ ચોથાભાઇ જાદવનું મોત
કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હોઇ બંને નોકરીના સ્થળે જતાં હતાં ત્યારે આટકોટ-ગોંડલ ચોકડીએ બનાવઃ રાજકોટમાં સારવારમાં દમ તોડયોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૯: જીવલેણ વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારના મોભીનું મૃત્યુ થયું છે. બાબરાના કલોરાણા ગામના બે મિત્રો બાઇક પર બેસી આટકોટ તરફ કંપનીમાં નોકરીએ જતાં હતાં ત્યારે આટકોટ-ગોંડલ ચોકડીએ ઇકો કારની ઠોકરે ચડી જતાં એકનો બચાવ થયો હતો અને બીજા મિત્રનું મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ બાબરાના કલોરાણા ગામે રહેતાં ચોથાભાઇ કુરજીભાઇ જાદવ (ઉ.વ.૫૫) આટકોટ નજીક આવેલી શ્રીહરિ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. જ્યારે તેના મિત્ર જીણાભાઇ પણ આ કંપનીમાં જ નોકરી કરતાં હોઇ ગઇકાલે બંને મિત્રો બાઇક પર બેસીને નોકરીના સ્થળે જવા નીકળ્યા હતાં. આ વખતે બાઇક જીણાભાઇ હંકારી રહ્યા હતાં. બંને આટકોટ-ગોંડલ ચોકડી પાસે પહોંચ્યા ત્યારે પાછળથી ઇકો કારના ચાલકે બાઇકને ઉલાળી દેતાં બંને મિત્રો ફેંકાઇ ગયા હતાં.
જમાં જીણાભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો અને ચોથાભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ચોથાભાઇએ દમ તોડી દેતાં પરિવારમા કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ આટકોટ પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર ચોથાભાઇને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. રક્ષાબંધનના તહેવારના દિવસે આ બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. આટકોટ પોલીસે અકસ્માત સર્જનારા ઇકો કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી
(2:53 PM IST)










