તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
આહીર સમાજના લેખકો, સંગીતકારો અને ગાયક કલાકારો એક મંચ પર આવશેઃ ખંઢેરી સ્થિત કિશન પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણઃ રાજુભાઈ ડાંગર
કાલે આહીર સમાજના કલા-રત્નોનું સ્નેહમિલન લોકડાયરો

રાજકોટ, તા.૯: સૌરાષ્ટ્રની ધબકતી લોકસંસ્કળતિ અને કલાના વારસાને વધુ ઉજાગર કરતો એક ભવ્ય કાર્યક્રમ રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે. આહીર સમાજના ગૌરવ સમાન કલાકારો, સંગીતકારો અને લેખકોને એક મંચ પર લાવી તેમના કલા-કસબને બિરદાવવાના ઉમદા હેતુ સાથે આહીર સમાજ દ્વારા અનમોલ રત્નોનુ એક વિશેષ તોહ મિલન સમારોહ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સમાજના એવા અણમોલ રત્નોને સમર્પિત છે, જેમણે પોતાના સર્જન થકી ગુજરાતી સાહિત્ય, સંગીત અને ગાયકીને સમળદ્ધ બનાવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આયોજન ખંઢેરીના સમાજ અગ્રણી શ્રી રાજેશભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ સાંસ્કળતિક મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કલા-પ્રતિભાઓને એકબીજા સાથે જોડવાનો અને તેમના વચ્ચે વિચારોના આદાન-પ્રદાન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ તોહ મિલન એ માત્ર એક ઔપચારિક મેળાવડો ન રહેતાં, કલાકારો માટે એકબીજાની કલાને જાણવા, માણવા અને તેમાંથી પ્રેરણા મેળવવાનો એક અવસર બની રહેશે. સમાજના જે લેખકોની કલમે ડાયરાના દુહા-છંદને શબ્દો આપ્યા છે, જે સંગીતકારોએ પોતાના સુરોથી તેને સજાવ્યા છે અને જે ગાયકોએ પોતાના કંઠથી તેને જન-જન સુધી પહોંચાડ્યા છે, તે તમામ પ્રતિભાઓ આ દિવસે એક સાથે ઉપસ્થિત રહીને કલાની સરવાણી વહાવશે.
આવતી કાલે રવિવાર, એટલે કે તા.૧૦ ઓગસ્ટના સાડા નવ કલાકે લોકડાયરાના સૂર ગુંજી ઉઠશે. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમની બિલકુલ બાજુમાં આવેલા કિશન પાર્ટી પ્લોટ અને લોન્સ ખાતે યોજાશે. હજારોની સંખ્યામાં કલારસિકો આરામથી બેસીને કાર્યક્રમ માણી શકશે.
આહીર સમાજના અગ્રણી શ્રી રાજેશભાઈ ડાંગર દ્વારા આ કાર્યક્રમમાં જોડાવા માટે કોઈ એક સમાજ કે વર્ગ પૂરતું આમંત્રણ સીમિત રાખવામાં આવ્યું નથી. આયોજકોએ સૌરાષ્ટ્રની તમામ ધર્મપ્રેમી અને કલારસિક જનતાને આ લોકડાયરો માણવા માટે હૃદયપૂર્વકનું જાહેર આમંત્રણ પાઠવ્યું છે. (સંજય ડાંગર ધ્રોલ)
(2:31 PM IST)










