<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશનનો કાલે બાળ આરોગ્‍ય સેમિનારઃ ગર્ભાવસ્‍થા અને બાળ ઉછેર પર વિશેષ માર્ગદર્શન

રાજકોટઃ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન, જે છેલ્‍લા ૨૧ વર્ષથી ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકોની સેવા કરે છે, તે આવતીકાલે ૧૦ ઓગસ્‍ટના પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ ખાતે બાળ આરોગ્‍ય સેમિનારનું આયોજન કરી રહ્યું છે. આ સેમિનારમાં વેદ્ય શ્રી મેહુલભાઈ આચાર્ય ગર્ભાવસ્‍થા પહેલા અને દરમિયાન બાળકની સંભાળ તેમજ જન્‍મ બાદ તેના આદર્શ ઉછેર પર માર્ગદર્શન આપશે.

રાજકોટનું જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકોના સર્વાંગી વિકાસ અને વિનામૂલ્‍યે સારવાર માટે જાણીતું છે. સંસ્‍થા દ્વારા આયોજિત આ સેમિનારમાં સાંસદ સભ્‍ય શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલારા, શ્રી રામભાઈ મોકરિયા સહિત અનેક રાજકીય, સામાજિક અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં ૧૫૦૦ રૂપિયાની કીટ ભેટમાં આપવામાં આવશે અને બાળકો તથા વાલીઓ માટે જમવાની પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફાઉન્‍ડેશનના અપુલ દોશી, અનીશ શાહ, રોહિત કાનાબાર સહિતના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

સંસ્‍થાની પ્રવૃત્તિઓની ઝલકઃ સંસ્‍થામાં ૨,૧૭૫ બાળકો નોંધાયેલા છે. ૮૦૦ થી વધુ બાળકોને નિઃશુલ્‍ક સંપૂર્ણ સારવાર મળે છે, જેમાં ઇન્‍સ્‍યુલિન, ગ્‍લુકોમીટર અને અન્‍ય તબીબી પરીક્ષણોનો સમાવેશ થાય છે. અન્‍ય બાળકોને તમામ સુવિધાઓ ૪૦% થી ૫૦% રાહતદરે મળે છે. ૮૨ બાળકોના લગ્નસંબંધ ગોઠવવામાં મદદ કરી છે. ટાઈપ-૧ ડાયાબિટીસ એજ્‍યુકેશન સર્ટિફિકેટ કોર્સ દ્વારા ૬૦ બાળકોને તાલીમ અપાઈ રહી છે, જેમાંથી ૩૦ બાળકો નેશનલ ડાયાબિટીસ એજ્‍યુકેટર બની ચૂક્‍યા છે.

(11:24 AM IST)