તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
મનપામાં ભરતીના નિયમોમાં ફેરફારની માંગ સાથે સફાઇ કામદારો ફરી કચેરીમાં ઉમટયા
રજૂઆત નહિ ઉકેલાય તો અચોક્કસ મુદતસુધી હડતાલની ચિમકી

રાજકોટ તા. ૩: મહાનગરપાલિકામાં ઘણા સમયથી સફાઈ કામદારોની ભરતી થયેલ ન હોય તેમજ ભરતીના નિયમોમાં સુધારા અને રાજીનામા સહિતના મુદ્દે સફાઇ કામદાર યુનિયન દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. જેના ભાગરૂપે તંત્રએ તાજેતરમાં સફાઈ કામદારોની ભરતી માટે ફોર્મ બહાર પાડ્યા પરંતુ નિયમોમાં ફેરફાર કરી સફાઈકામદારના વારસદારને નોકરી મળે તેવો નિયમ અમલમાં મુકતા ફરી વખત યુનિયન દ્વારા તેનો વિરોધ કરી ગઈકાલે રજૂઆત કરવામાં આવેલ તે સમયે તંત્ર દ્વારા પોલીસ બળપ્રયોગ કરતા ચાર સફાઈ કામદારો ઈજાગ્રસ્ત થયા હતાં અને ફરી રજૂઆત કરતા આજે કોર્પોરેશન ખાતે કામદાર ઉમટતા મનપાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે ગેઈટ ઉપર લોખંડી બંદોબસ્ત મુકી સફાઈ કામદારોને કચેરીમાં પ્રવેશતા અટકાવાતા ફરી વખત દેકારો બોલી ગયો હતો. પદાધિકારીઓ હાજર ન હોય સાંજ સુધીમાં નવી જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
સફાઈ કામદારો દ્વારા ગઈકાલે ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સાથે મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેનનને મળવા માટે આવ્યા હતાં. તે દરમિયાન વિજિલન્સ અને પોલીસ દ્વારા તેમને દૂર કરવા માટે બળ પ્રયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ સાથેની ઝપાઝપીમાં ચાર મહિલા સફાઈ કામદારોને ઈજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને આ મુદ્દે વધુ આંદોલન વકરશે તેવો અણસાર તંત્રને આવી જતાં આજે સવારે મનપાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલા ત્રણેય ગેઈટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો. બપોરે વાલ્મીકી સમાજના આગેવાનો તેમજ યુનિયનના હોદેદારો કચેરી ખાતે આવતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ભારે રકઝકના અંતે પાંચ વ્યક્તિ રજૂઆત કરવા આવે તેમ જણાવતા યુનિયનના પાંચ હોદેદારો રજૂઆત કરવા માટે મેયર ચેમ્બર ખાતે ગયા હતા પરંતુ આજે પદાધિકારીઓ હાજર ન હોય તેવો કચેરીના પરિસરમાં બેસી ગયા હતાં. ત્યારે જ વીજીલન્સના સ્ટાફ દ્વારા તેઓને ગેઈટની બહાર જવા કહ્યું હતું.
સફાઈકામદારો એકઠા થશે ત્યારે નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ મુદ્દે યુનિયનના નેતાએ જણાવેલ કે, સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તે પરત લેવામાં આવે તેવી અમારી માંગ છે. જે પૂર્ણ નહીં થાય તો અચોક્કસ મુદત સુધી હડતાલ કરવામાં આવશે.
(4:54 PM IST)










