<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

ત્રણ રાજસ્‍થાની મિત્રોએ પંચાયતનગરમાં રેકી કરી ૯ લાખની ચોરી કરી'તીઃ અમદાવાદ-રાજસ્‍થાનથી ઝડપાયા

રાજકોટમાં સહકાર સોસાયટી પીપળીયા હોલ પાસે ભાડે મકાન રાખી રહેતાં હતાં: મોજશોખ પુરા કરવા હાથ માર્યો હતો : કમલેશ માલી, અરવિંદસિંગ ચોૈહાન અને અગરારામ ચોૈધરીની ધરપકડઃ કમલેશ અગાઉ ચોરીના ત્રણ ગુનામાં સામેલઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અનુસાર પીઆઇ એમ.જી. વસાવા, સી. એચ. જાદવ, પીએસઆઇ આર. એચ. ઝાલા, પીએસઆઇ પી.એન. પરમાર, બી. આર. ભરવાડ અને ટીમને સફળતા

રાજકોટ તા. ૩: શહેરના પંચાયતનગર -૨માં આવેલા આદીનાથ મકાનમાં ૩૦મીએ રાતે બારી ખોલી સળીયો કાપી અંદર પ્રવેશી ૯,૦૬,૦૦૦ની મત્તા સાથેની નાની તિજોરી-લોકર તેમજ વિદેશી કરન્‍સી, ગેમની સીડી, ડ્રીલીંગ મશીન સહિતની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-૨ની ટીમે ઉકેલી ત્રણ રાજસ્‍થાની મિત્રોને અમદાવાદ અને રાજસ્‍થાનથી દબોચી લીધા છે. તેમજ તમામ મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. એકાદ મહિનાથી આ ત્રણેય સહકારનગરમાં રૂમ ભાડે રાખી રહેતાં હતાં. મોજશોખ માટે રેકી કરી પંચાયતનગરના બંધ મકાનમાં ત્રાટક્‍યા હતાં.

પોલીસે આ ગુનામાં કમલેશ ફુલારામ માલી (ઉ.વ.૨૩-રહે. જાવલ જી. સીરોહી  રાજસ્‍થાન), અરવિંદસિંગ મહોબ્‍બતસિંગ ચોૈહાણ (ઉ.વ.૨૮-રહે. જાવલ સીરોહી રાજસ્‍થાન) અને અગરારામ વરજોંગારામ ચોૈધરી (ઉ.વ.૩૦-રહે. લુણવા જાગીર તા. ગુડામાલાની જી. બાડમેર રાજસ્‍થાન)ને પકડી લીધા છે. આ ત્રણેય એકાદ મહિનાથી સહકાર સોસાયટી-૪ પીપળીયા હોલ પાસે ભાડેથી મકાન રાખી રહેતાં હતાં અને મજુરી કરતાં હોવાનો દેખાવ કરતાં હતાં.

પંચાયતનગરમાં કમલેશભાઇ ખોડીદાસભાઇ મહેતાના ઘરમાં મોટી મત્તાની ચોરી થયાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ, એલસીબી ઝોન-૨ ટીમ અને ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી હતી. સીસીટીવી કેમેરાના ફુટેજ અને બાતમીદારો તેમજ ટેકનીકલ સોર્સની મદદથી તપાસ શરૂ થતાં તસ્‍કરો મુળ રાજસ્‍થાનના હોવાની અને તેમાંથી એક અગાઉ પણ ચોરીઓમાં પકડાઇ ગયો હોવાની પાક્કી માહિતી મળી હતી. વિશેષ તપાસ થતાં આ તસ્‍કરોમાંથી એક કમલેશ અમદાવાદ તથા અગરારામ અને અરવિંદસિંગ રાજસ્‍થાન ભાગી ગયાનું જણાતાં ટીમો ત્‍યાં પહોંચી હતી અને ત્રણેયને દબોચી લઇ ૭,૦૫,૦૦૦ના સોનાના દાગીના, ૫ હજારનું ટેબલેટ, મકાનના દસ્‍તાવેજની કોપી, ૧૫ હજારની લેડીઝ ઘડીયાળો, બે પાસપોર્ટ, ઓમાનનું ડ્રાઇવીંગ લાયસન્‍સ, બેંકોના કાર્ડ, લોકરની ચાવી, જેન્‍ટસ પર્સ, તણી, ડીજીટલ લોકર (જેના કોડ નંબર ખબર ન હોઇ કાપીને અંદરથી દાગીના ચોરી લેવાયા હતાં), ગ્રાઇન્‍ડર મશીન, રોકડા અને ઓમાન કરન્‍સી રૂા. ૧૩૪૫૦ તથા ત્રણ મોબાઇલ ફોન રૂા. ૧૫ હજારના મળી કુલ રૂા. ૭,૫૫,૪૫૦નો મુદ્દામાલ કબ્‍જે લેવાયો હતો.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ કમલેશ માલી અગાઉ ખાડીયા પોલીસમાં ચોરીના ગુનામાં અને રાજસ્‍થાનમાં પણ બે ત્રણ વખત પકડાયો હતો. જ્‍યારે અરવિંદસિંગ રાજસ્‍થાન અને મહિધરપુરામાં ચોરીઓના ગુનામાં પકડાયો હતો. મોજશોખ પુરા કરવા ત્રણેયએ પંચાયતનગરમાં રેકી કરી તાળુ જોતાં રાતે ત્રાટકી ચોરી કરી હતી અને અમદાવાદ રાજસ્‍થાન તરફ ભાગી ગયા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી રાધિકા ભારાઇ, એસીપી ભરત બસીયાની રાહબરી અને સુચના મુજબ યુનિવર્સિટી પીઆઇ એમ. જી. વસાવા, પીઆઇ સી. એચ. જાદવ, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, ક્રાઇમ બ્રાંચના એ. એન. પરમાર, યુનિવર્સિટીના બી.આર. ભરવાડ તેમજ એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, સમીરભાઇ શેખ, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, રઘુવીરસિંહ વાળા, મહિપાલસિંહ જાડેજા, વિજુભા જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ રાણા, વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, રાહુલ રાઠોડ, દિવ્‍યરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. યુવરાજસિંહ ઝાલા, કૃષ્‍ણદેવસિંહ જાડેજા, વિજયરાજસિંહ જાડેજા, કોન્‍સ. પ્રદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:37 PM IST)