<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

રોંગ સાઇડમાં કાર ઘુસાડી મહંત અને શિષ્‍યોએ જીએસટી કમિશનરની કારમાં તોડફોડ કરીઃ ડ્રાઇવરને ગાળો દીધી

મહિલા કોલેજ અન્‍ડર બ્રિજમાં રાતે બનાવઃ એ-ડિવીઝન પોલીસે વાગુદળ આશ્રમના મહંત, બે શિષ્‍યોની ધરપકડ કરીઃ ચોથો ભાગી ગયો મહંતયોગી ધરમનાથે કુંડલીવાળી લાકડીથી કાચ ફોડયોઃ બીજો શખ્‍સ ફરસી સાથે ઉતર્યોઃ સાથેના બે શખ્‍સોએ પણ ગાળો ભાંડીઃ એ-ડિવીઝન પોલીસે મહંત તથા સાથેના રાજકોટના કારખાનેદાર ચિરાગ કાલરીયા, મેટોડાના પ્રવિણ મેરને પકડયાઃ ચોથા શખ્‍સ અભિષેકની શોધખોળ રાજકોટ દર્શન કરવા આવ્‍યા બાદ પરત જતાં હતાં: હોસ્‍પિટલના કામે જતાં હોઇ કાર રોંગમાં આવી ગયાનું પણ રટણ તસ્‍વીરમાં મહંતની બ્રેઝા કાર, તેને ટીંગાટોળી કરી પકડવામાં આવ્‍યા તે દ્રશ્‍ય અને જીએસટી કમિશનરની ઇનોવાનો કાચ મહંતે ફોડી નાંખ્‍યો તે જોઇ શકાય છે

રાજકોટ તા. ૩: શહેરના મહિલા કોલેજ અન્‍ડર બ્રીજમાં રાતે જીએસટી કમિશનરને કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે ઉતારી ડ્રાઇવર યુવાન આ કાર પરત રેસકોર્ષ રીંગરોડ કચેરીએ  મુકવા જઇ રહ્યો હતો ત્‍યારે તેની ઇનોવા કાર સામે એક બ્રેઝા કાર કિસાનપરા તરફથી રોંગ સાઇડમાં આવી જતાં બાદમાં કારમાંથી કુંડલીવાળી લાકડી સાથે ઉતરેલા મહંતે જીએસટી કમિશનરની કારનો કાચ ફોડી નાખતા અને સાથેના શખ્‍સો ત્રણ શખ્‍સોએ પણ ગાળો દઇ તેમજ એક શખ્‍સે ફરસી લઇ નીચે ઉતરી ભય ફેલાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પોલીસે ગુનો નોંધી વાગુદળ આશ્રમના મહંત સહિત ત્રણને પકડી લીધા હતાં. ચોથો શખ્‍સ ભાગી ગયો હતો.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે જામનગ રરોડ પર શેઠનગર પાછળ વાલ્‍મિકીનગર સોસાયટી મકાન નં. ૧૮માં રહેતાં અને સેન્‍ટ્રલ જીએસટી રાજકોટ ખાતે કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર ઇનોવા કારનું ડ્રાઇવીંગ કરતાં ભાવીનભાઇ મનસુખભાઇ બેરડીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી જેતપુરના વિરપુર ગામે ગોરધનભાઇ ધામેલીયાના ડેલામાં રહેતાં અને...ના મહંતયોગી ધરમનાથ ઉર્ફ જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા (ઉ.વ.૪૪), પર્ણ કુટીર સોસાયટી વિદ્યાકુંજ મેઇન રોડ પર રૂદ્રાક્ષ એપાર્ટમેન્‍ટ એ-૫૦૧માં રહેતાં  કારખાનેદાર ચિરાગ પ્રવિણભાઇ કાલરીયા (ઉ.વ.૪૨) અને મેટોડા જુની પંચાયત ઓફિસ સામે રહેતાં પ્રવિણ વાઘજીભાઇ મેર (ઉ.વ.૪૨) તથા અભિષેક વિરૂધ્‍ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી ત્રણને પકડી લીધા હતાં. જ્‍યારે અભિષેક ભાગી ગયો હતો.

ભાવીનભાઇ બેરડીયાએ જણાવ્‍યું છે કે રાતે પોણા નવેક વાગ્‍યે હું ઇનોવા કાર જીજે૧૦ડીજે-૪૭૮૬ લઇને જીએસટીના અપિલ કમિશનરશ્રી એસ. પી. સિંઘને કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિર પાસે ઉતારીને પરત રેસકોર્ષ રીંગ રોડ પરની જીએસટીની ઓફિસે ગાડી મુકવા જતો હતો. મહિલા કોલેજ અન્‍ડર બ્રીજ ચોકમાં પહોંચતા કિસાનપરા ચોક તરફથી મારી ગાડીની સામે રોંગ સાઇડમાં એક કાર આવતી દેખાતા મેં મારી ગાડી ઉભી રાખી દીધી હતી. સામેની કારના ચાલકે પણ કાર મારી કારની સામે ઉભી રાખી દીધી હતી.

ત્‍યારબાદ એ કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા સાધુ જેવા કપડા પહરેલા માણસ હાથમાં પિત્તળની કુંડલીવાળી લાકડી લઇને ઉતરેલ અને મારી ગાડીના બોનેટ પર ધૂંબો મારી તારી ગાડી પાછળ લઇ લે તેમ ઇશારાથી કહ્યું હતુ. બાદમાં હું ડ્રાઇવીંગ સીટ પર હતો ત્‍યાં મારી પાસે આવી મને કાચ ખોલ તેમ ઇશારાથી કહેતાં મેં કાચ ન ખોલતાં તેણે ગાડીની પાછળ જઇ લાકડથી ફટકારી મારી ગાડીનો પાછળનો કાચ ફોડી નાખ્‍યો હતો. હું એકલો હોવાથી કારમાંથી નીચે ઉતર્યો નહોતો.

એ પછી સામેની કારમાંથી બીજા બે શખ્‍સો ઉતર્યા હતાં. ડ્રાઇવર તેમાં જ બેઠેલો હતો. બે શખ્‍સો નીચે ઉતર્યા તેમાંથી એકના હાથમાં પિત્તળ જેવી ફરસી હતી, એ બંનેએ મને ગાળો દીધી હતી. એ પછી આ બંનેએ પોતાની કારને અંદર બેઠેલા ચાલકને ઇશારો કરી રિવર્સ લેવડાવી હતી. એ પછી તે ગાડીનો ચાલક પણ નીચે ઉતરીને આવ્‍યો હતો અને ગાળો દીધી હતી. મેં મારી કારમાંથી જ રોંગ સાઇડમાં મારી સામે આવેલી બ્રેઝા કારનો ફોટો પાડી લીધો હતો. તેના નંબર જીજે૦૩એનપી-૧૯૮૦ હતાં. આ પછી લોકો ભેગા થઇ ગયા હતાં. મેં ૧૦૦ નંબરમાં ફોન કરતાં પોલીસ પણ આવી ગઇ હતી.

આ વખતે એક શખ્‍સ ભાગી ગયો હતો. બાકીના ત્રણને પોલીસ સ્‍ટેશને લઇ જવાયા હતાં. આ ત્રણેયએ પુછતાછમાં પોતાના નામ જણાવ્‍યા હતાં. બ્રેઝા કારના ચાલકે પોતાનું નામ ચિરાગ કાલરીયા, સાધુએ પોતાનું નામ મહંતયોગી ધરમનાથ ઉર્ફ જીતેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા અને ફરસી લઇને ઉતરેલા શખ્‍સે પોતાનું નામ પ્રવિણ મેર કહ્યું હતું. ભાગી જનારનું નામ અભિષેક હતું.

બનાવ સ્‍થળે રૂરલ એસપીના કમાન્‍ડો પણ પસાર થતાં હોઇ તેમણે અને બીજા લોકોએ મહંતની ટીંગાટોળી કરી પોલીસને સોંપ્‍યા હતાં. પીઆઇ આર. જે. બારોટની રાહબરીમાં પીએસઆઇ એચ. એન. ગઢવીએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.  મહંતયોગી ધરમનાથે સવારે એવુ રટણ કર્યુ હતું કે અમે રાજકોટ હોસ્‍પિટલના કામે આવ્‍યા હતાં. ઉતાવળને કારણે કાર રોંગ સાઇડમાં આવી ગઇ હતી.

(12:20 PM IST)