તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
સોનિયા ગાંધીના આત્મકથન ‘બિલોંગિંગ’માં જીવનની અંગત પીડા અને રાજકીય સમાધાનોની નિખાલસ કબૂલાત
ઇન્દિરા-રાજીવ ગાંધીની હત્યાનો આઘાત, ૨૦૦૪માં વડાપ્રધાનપદનો ઇનકાર અને પરિવારના સંબંધોનું હૃદયસ્પર્શી વર્ણન : પુસ્તકની કેટલીક ઐતિહાસિક ભૂલો પણ ચર્ચામાં : પુસ્તકમાં ગાંધી અને બચ્ચન પરિવારોની પ્રારંભિક નિકટતાનો ઉલ્લેખ છે, પરંતુ પાછળથી બંને પરિવારોના સંબંધોમાં આવેલી તિરાડ વિશે વિસ્તૃત ચર્ચા નથી

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીનું ૧૦ નવેમ્બરે પ્રકાશિત થયેલું આત્મકથનાત્મક પુસ્તક ‘બિલોંગિંગ : અ જર્ની ઓફ લવ’ રાજકીય અને સાહિત્યિક વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઇટાલીના નાનકડા શહેરમાં વિતાવેલા બાળપણથી લઈને કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથે પ્રેમ, લગ્ન અને ભારતની રાજકીય દુનિયામાં પ્રવેશ સુધીની સફર પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.
સોનિયા ગાંધીએ ઇન્દિરા ગાંધીની ૧૯૮૪માં અને રાજીવ ગાંધીની ૧૯૯૧માં થયેલી હત્યા પછી અનુભવેલી અસહ્ય પીડાનું અત્યંત લાગણીસભર વર્ણન કર્યું છે. રાજીવ ગાંધીના અવસાન બાદ જીવન પ્રત્યેની નિરાશા, પરિવારની જવાબદારી અને રાજકારણમાં પ્રવેશ અંગેનો ખચકાટ પણ આલેખ્યો છે. વર્ષ ૨૦૦૪માં વડાપ્રધાનપદ સ્વીકારવું કે નહીં તે અંગે થયેલી આંતરિક મથામણનું પણ વર્ણન છે. રાજકારણમાં પક્ષના હિત માટે કરવાં પડેલાં કેટલાક સમાધાનો અંગે તેમણે અંતરાત્માની અસ્વસ્થતા વ્યક્ત કરી છે.
પુસ્તકમાં ગાંધી અને બચ્ચન પરિવારોની પ્રારંભિક નિકટતાનો ઉલ્લેખ છે, પરંતુ પાછળથી બંને પરિવારોના સંબંધોમાં આવેલી તિરાડ વિશે વિસ્તૃત ચર્ચા નથી. બોફોર્સ, કટોકટી અને કેટલાક રાજકીય પ્રકરણોના વર્ણન અંગે વિવેચકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે.
કેટલીક તથ્યલક્ષી ભૂલો પણ સામે આવી છે. પુસ્તકમાં કોંગ્રેસના દિગ્ગજનેતા અને ગાંધી પરિવારના અત્યંત વિશ્વાસુ અહેમદભાઈ પટેલના કોરોનામાં અવસાનનું વર્ષ ૨૦૨૨ દર્શાવાયું છે, જ્યારે તેમનું અવસાન ૨૦૨૦માં થયું હતું. કારગિલ યુદ્ધની સમયરેખા અંગે પણ ભૂલો નોંધાઈ છે. આમ છતાં વ્યક્તિગત જીવન, પ્રેમ, દુઃખ અને રાજકીય જવાબદારીઓની સંવેદનશીલ કથા તરીકે આ પુસ્તક ધ્યાન ખેંચી રહ્યું છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
