તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
૧૭મા દિવસે ‘રામાયણ’ની કમાણી ૧૬૧૬ કરોડને પાર : ભારતમાં ૯૦૬ કરોડનો આંકડો વટાવી ફિલ્મે રચ્યો નવો ઇતિહાસ: ત્રીજા સપ્તાહમાં પણ દર્શકોનો પ્રચંડ પ્રતિસાદ જાળવી રાખ્યો
દિવાળીની રજાઓ પૂરી થયા છતાં ત્રીજા શનિવારે કમાણીમાં ૭૪ ટકાનો ઉછાળો: વિશ્વવ્યાપી કમાણીમાં આ ફિલ્મ ‘એનિમલ’, ‘પઠાણ’, ‘છાવા’ અને મૂળ ‘ધુરંધર’ સહિતની અનેક સફળ ફિલ્મોથી આગળ નીકળી ગઈ: જોકે ‘દંગલ’, ‘બાહુબલી-૨’, ‘પુષ્પા-૨’ અને ‘ધુરંધર-૨’ના વિશ્વવ્યાપી કુલ કલેક્શનને પાર કરવાનું હજુ બાકી

નવી દિલ્હી : દિગ્દર્શક નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ બોક્સ ઓફિસ પર કમાણીના નવા વિક્રમો સર્જી રહી છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત આ ફિલ્મે રિલીઝના ૧૭ દિવસમાં વિશ્વભરમાં ૧૬૧૬.૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે ભારતમાં તેની ચોખ્ખી કમાણી ૯૦૬.૯૦ કરોડ રૂપિયા સુધી પહોંચી છે. ૫ નવેમ્બરે રજૂ થયેલી આ ફિલ્મે ત્રીજા સપ્તાહમાં પણ દર્શકોનો પ્રતિસાદ જાળવી રાખ્યો છે.
શનિવાર, ૨૧ નવેમ્બરે ફિલ્મે ભારતમાં ૨૭.૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે શુક્રવારના ૧૫.૭૫ કરોડની સરખામણીએ લગભગ ૭૪ ટકા વધારે છે. ફિલ્મના ૧૫,૮૫૧ શો યોજાયા હતા. હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાના પ્રદર્શનોમાંથી પણ નોંધપાત્ર આવક થઈ રહી છે.
વિદેશી બજારોમાંથી ફિલ્મને અંદાજે ૫૩૩ કરોડ રૂપિયા મળ્યા છે. વિશ્વવ્યાપી કમાણીમાં આ ફિલ્મ ‘એનિમલ’, ‘પઠાણ’, ‘છાવા’ અને મૂળ ‘ધુરંધર’ સહિતની અનેક સફળ ફિલ્મોથી આગળ નીકળી ગઈ છે. જોકે ‘દંગલ’, ‘બાહુબલી-૨’, ‘પુષ્પા-૨’ અને ‘ધુરંધર-૨’ના વિશ્વવ્યાપી કુલ કલેક્શનને પાર કરવાનું હજુ બાકી છે. આજે રવિવારના પ્રદર્શનથી ફિલ્મની કુલ કમાણીમાં વધુ વધારો થવાની શક્યતા છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
