તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
નાઇજીરિયામાં બાયેલ્સા રાજ્યમાં અંતિમ સંસ્કારમાં જતા લોકોની બોટ પલટી : ૨૪નાં કરુણ મોત, અનેક લાપતા
મૃતકોની સંખ્યા વધવાની ભીતિ : ૨૪ લોકોને બચાવાયા, બોટમાં યાંત્રિક ખામી સર્જાયા બાદ મુસાફરોએ બોટને કિનારે લઈ જવા વિનંતી કરી હોવા છતાં ચાલકે ઇનકાર કર્યાનો આક્ષેપ

અબુજા : આફ્રિકન દેશ નાઇજીરિયાના દક્ષિણ ભાગમાં આવેલા બાયેલ્સા રાજ્યમાં અંતિમ સંસ્કારવિધિમાં ભાગ લેવા જઈ રહેલા લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી જતાં ઓછામાં ઓછા ૨૪ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. શુક્રવાર, ૨૦ નવેમ્બરે સર્જાયેલી આ દુર્ઘટનામાં અનેક લોકો લાપતા હોવાની આશંકા વચ્ચે શોધખોળ ચાલુ છે.
નાઇજીરિયાની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તા માન્ઝો એઝેકીએ જણાવ્યું કે આયામા ગામથી ઉકુબી ગામ તરફ અંતિમ સંસ્કારમાં ભાગ લેવા જઈ રહેલી બોટ સધર્ન ઇજાવ વિસ્તારમાં ઓવેઇકોરોઘા અને ઓતુઆન વચ્ચેના જળમાર્ગમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.
પોલીસ પ્રવક્તા મુસા મોહમ્મદના જણાવ્યા અનુસાર ૨૪ લોકોને બચાવી લેવાયા છે. તેમાંથી ૧૯ લોકોને આયામાની સ્થાનિક ક્લિનિકમાં અને પાંચ ઈજાગ્રસ્તોને યેનાગોઆની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં બોટમાં યાંત્રિક ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. મુસાફરોએ બોટને કિનારે લઈ જવા વિનંતી કરી હોવા છતાં ચાલકે ઇનકાર કર્યાનો આક્ષેપ છે. અકસ્માત બાદ બોટચાલક સ્થળ પરથી નાસી ગયો હોવાનું અને બોટના સંચાલકને અટકાયતમાં લેવાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.
બાયેલ્સાના ગવર્નર ડોયે દિરીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. બચાવકાર્યમાં સ્થાનિક તરવૈયાઓ, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન ટુકડીઓ જોડાઈ છે. અધિકારીઓએ બોટમાં કુલ કેટલા મુસાફરો હતા તેની પુષ્ટિ કરી નથી.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
