<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા નહીં દઈએ : ટ્રમ્પનો કાયમી સમજૂતી કરવાનો કડક આગ્રહ

અમેરિકામાં ભવિષ્યની સરકાર પણ પરમાણુ શસ્ત્રો અંગેનું વલણ બદલી ન શકે તેવી વ્યવસ્થા ઇચ્છે છે ટ્રમ્પ : ટ્રમ્પે ઈરાની નેતાઓ સાથેની વાટાઘાટોને અત્યંત મુશ્કેલ ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ અગાઉ સમજૂતી થયા પછી પણ ઈરાન તેનો ભંગ કરતું રહ્યું છે: આગામી મોટો નિર્ણય ૨૦૨૭ સુધી લંબાઈ શકે

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમ તથા મધ્ય પૂર્વના સંઘર્ષને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કાયમી સમજૂતી કરવાનો આગ્રહ વ્યક્ત કર્યો છે. શનિવારે આપેલી ટેલિફોનિક મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ એવો કરાર ઇચ્છે છે, જેના કારણે ભવિષ્યમાં કોઈપણ અમેરિકી સરકાર ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાની છૂટ આપી ન શકે.

 

ટ્રમ્પે ઈરાની નેતાઓ સાથેની વાટાઘાટોને અત્યંત મુશ્કેલ ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ અગાઉ સમજૂતી થયા પછી પણ ઈરાન તેનો ભંગ કરતું રહ્યું છે. જોકે ટ્રમ્પ જે પ્રકારના કાયમી કરારની વાત કરી રહ્યા છે, તેની કાનૂની શરતો અને ભવિષ્યની અમેરિકી સરકારને કેવી રીતે બાંધી શકાશે તેની કોઈ અંતિમ વ્યવસ્થા હજુ જાહેર થઈ નથી.

 

ઈરાનના પરમાણુ કાર્યક્રમ, સંવર્ધિત યુરેનિયમ અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીની તપાસ અંગે બંને દેશો વચ્ચે મતભેદો યથાવત છે. અમેરિકાએ ઈરાનના શસ્ત્ર કાર્યક્રમ અંગે ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે તેહરાને કેટલાક આરોપો નકારી કાઢ્યા છે.

 

ટ્રમ્પે એવો સંકેત પણ આપ્યો છે કે તેઓ આગામી પગલાં લેવામાં ઉતાવળ કરવા માંગતા નથી અને મહત્વનો નિર્ણય ૨૦૨૭ સુધી પણ લંબાઈ શકે છે. હોર્મુઝ સ્ટ્રેટમાં  જહાજોની અવરજવર, વૈશ્વિક તેલ પુરવઠો અને પ્રાદેશિક સુરક્ષા અંગેની અનિશ્ચિતતાને કારણે આ રાજદ્વારી પ્રયાસોનું મહત્વ વધ્યું છે.

(12:04 PM IST)