તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
મહારાષ્ટ્ર ભાજપના રાજ્યસભા સાંસદ રામરાવ વડકુતેનું હાર્ટ એટેકથી નિધન : રાજકીય વર્તુળોમાં શોક: અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા, ૨૦૦૪થી ૨૦૧૯ દરમિયાન મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય રહ્યા: ૨૦૧૯માં તેમણે એનસીપી છોડીને ભાજપમાં પ્રવેશ
માત્ર આઠ મહિના પહેલાં રાજ્યસભા માટે શપથ લીધા હતા : ૭૨ વર્ષની વયે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ, ધનગર સમાજે અગ્રણી નેતા ગુમાવ્યા

નવી દિલ્હી : મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ધનગર સમાજના અગ્રણી નેતા રામરાવ સખારામ વડકુતેનું આજે રવિવાર, ૨૨ નવેમ્બરની વહેલી સવારે હૃદયરોગના ગંભીર હુમલાને પગલે નિધન થયું છે. તેઓ ૭૨ વર્ષના હતા. દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)માં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના વતની વડકુતેની માર્ચ ૨૦૨૬માં ભાજપ દ્વારા રાજ્યસભા માટે પસંદગી કરવામાં આવી હતી. તેમણે ૬ એપ્રિલે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. આમ, સંસદના ઉપલા ગૃહમાં તેમનો કાર્યકાળ માત્ર સાડા સાત મહિના જેટલો જ રહ્યો.
રામરાવ વડકુતે અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા અને વર્ષ ૨૦૦૪થી ૨૦૧૯ દરમિયાન મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય રહ્યા હતા. વર્ષ ૨૦૧૯માં તેમણે એનસીપી છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
તેમણે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી દૂધ મહાસંઘ અને પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર ઘેટાં-બકરાં વિકાસ નિગમના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી હતી. ખાસ કરીને ધનગર સમાજના પ્રશ્નો અને સામાન્ય લોકોની સમસ્યાઓ ઉઠાવવા માટે તેઓ જાણીતા હતા.
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય રાજ્યમંત્રી મુરલીધર મોહોલ અને એનસીપીના સાંસદ સુપ્રિયા સુળે સહિત અનેક નેતાઓએ તેમના અવસાન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પી છે.
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
