<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

દિલ્હીના ઐતિહાસિક પુરાણા કિલ્લાથી વિશ્વને ભારતનો સાંસ્કૃતિક સંદેશ: SCO નું 'ઇન્દ્રપ્રસ્થ ઘોષણાપત્ર' જાહેર: દરેક સભ્યતાના સન્માન અને વારસાના જતન પર મુકાયો ભાર!

પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટિત થયેલા ત્રણ દિવસીય 'SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ'ના સમાપન બાદ સ્થાપત્ય, સંગીત, ભોજન અને ટેકનોલોજી દ્વારા વૈશ્વિક મિત્રતા મજબૂત કરવાનો સંકલ્પ: પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકની હાજરી વચ્ચે ભારતે કોઈપણ ઔપચારિક દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હોવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર

નવી દિલ્હી:  દિલ્હીના ઐતિહાસિક પુરાણા કિલ્લા ખાતે આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના પ્રથમ 'SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ'નું ભવ્ય સમાપન થયું છે. ૨૦ નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટિત થયેલી આ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદના અંતે 'ઇન્દ્રપ્રસ્થ કોમ્યુનિક' નામનો એક ઐતિહાસિક પરિણામ દસ્તાવેજ બહાર પાડવામાં આવ્યો છે. આ ઘોષણાપત્ર દ્વારા વિશ્વને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દરેક સભ્યતાને વૈશ્વિક મંચ પર સમાન અવાજ અને આદર મળવો જોઈએ, તેમજ સંસ્કૃતિને વિવિધ દેશો વચ્ચે મિત્રતા અને સારા પડોશી સંબંધો કેળવવાનું સૌથી શક્તિશાળી માધ્યમ બનાવવું જોઈએ.

આ ખાસ ઘોષણાપત્રમાં સભ્ય દેશોના સ્થાપત્ય, સંગીત, ભોજન અને કાપડ જેવા સહિયારા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાની સાથે-સાથે તેના રક્ષણ માટે નક્કર કદમ ઉઠાવવાની હિમાયત કરવામાં આવી છે. દસ્તાવેજમાં સામાન્ય લોકો સુધી સાંસ્કૃતિક વારસાની પહોંચ સરળ બનાવવા માટે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના સર્જનાત્મક ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. તદુપરાંત, કુદરતી આફતો તેમજ પ્રાચીન કલાકૃતિઓની ગેરકાયદેસર હેરફેર (તસ્કરી) સામે ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સંપત્તિઓનું રક્ષણ કરવા માટે તમામ સભ્ય દેશોએ સંયુક્ત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

બીજી તરફ, આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં પાકિસ્તાનના ફેડરલ મંત્રી મુસાદિક મલિકની હાજરીને કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી વાટાઘાટોની અટકળો તેજ બની હતી. જોકે, કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ વિવેક અગ્રવાલે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા સ્પષ્ટતા કરી હતી કે પરિષદ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ પ્રકારની ઔપચારિક દ્વિપક્ષીય વાટાઘાટો થઈ નથી. તેમણે ઉમેર્યું હતું કે માત્ર ભોજન સમારંભ અને કોન્ફરન્સના અન્ય કાર્યક્રમો દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળના સભ્યો અને પાકિસ્તાની પ્રતિનિધિ વચ્ચે સામાન્ય અનૌપચારિક શિષ્ટાચાર મુલાકાત જ થઈ હતી.

(8:03 PM IST)