<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ભારતની પ્રાચીન સભ્યતા અને ભાષાકીય વૈવિધ્ય પર ફિદા થયા પુતિન : પુતિને પીએમ મોદી સાથેની ખાસ વાતચીત યાદ કરી ભારતને ગણાવ્યું 'અદ્ભુત'!

ક્રેમલિનમાં જાણીતા સર્બિયન ફિલ્મ નિર્દેશક એમિર કુસ્તુરિકા સાથેની ખાસ મુલાકાતમાં .દોઢ અબજની વસ્તી ધરાવતા ભારતમાં વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓના અનોખા સંગમ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું : સાથોસાથ રશિયન સભ્યતાની વિશિષ્ટતા અને વિવિધ સમુદાયોની ઓળખ જાળવી રાખવાની પરંપરા પર પણ પ્રકાશ પાડ્યો

મોસ્કો:  ભારતની ઓળખ સમી 'વિવિધતામાં એકતા'ના વૈશ્વિક મંચ પર ફરી એકવાર ભરપૂર વખાણ થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની પ્રાચીન સભ્યતા અને અનોખી ભાષાકીય વિવિધતાની મુક્તકંઠે પ્રશંસા કરતા તેને "ખરેખર અદ્ભુત" ગણાવી છે. મોસ્કોમાં જાણીતા સર્બિયન ફિલ્મ નિર્દેશક એમિર કુસ્તુરિકા સાથેની એક ખાસ મુલાકાત દરમિયાન પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની તાજેતરની વાતચીતનો એક રસપ્રદ કિસ્સો વાગોળ્યો હતો. પુતિને જણાવ્યું કે જ્યારે તેમણે પીએમ મોદીને ભારતની ભાષાઓ વિશે પૂછ્યું, ત્યારે જાણવા મળ્યું કે લગભગ ૧.૫ અબજની વિશાળ વસ્તી ધરાવતા આ દેશમાં આશરે ૬૦ કરોડ લોકો મુખ્ય ભાષા (હિન્દી) બોલે છે, જ્યારે બાકીના બે-તૃતીયાંશ લોકો પોતાની પ્રાદેશિક અને સ્થાનિક ભાષાઓનો ઉપયોગ કરે છે.

ભારતમાં દરેક પ્રદેશ બદલાતા જ ભાષા, બોલી અને સાંસ્કૃતિક ઓળખ બદલાઈ જાય છે—ક્યાંક હિન્દી, તો ક્યાંક તમિલ, બંગાળી, મરાઠી કે ગુજરાતી જેવી સમૃદ્ધ ભાષાઓ ગુંજે છે. આ બાબતનો ઉલ્લેખ કરતા પુતિને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આટલી વિશાળ વસ્તી હોવા છતાં દરેક સમુદાયે પોતાની માતૃભાષા અને પરંપરાઓને જીવંત રાખી છે. પુતિનના મતે, ભારતીય સભ્યતા અત્યંત પ્રાચીન અને રસપ્રદ છે, અને તેઓ તેના વિશે જેમ-જેમ વધુ જાણે છે તેમ-તેમ તેમનો રસ અને આદર વધુ ગાઢ બનતો જાય છે. પીએમ મોદી સાથેની સંવાદિતાએ તેમને ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિને એક નવા દ્રષ્ટિકોણથી સમજવાની તક આપી હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.

ભારતની આ સાંસ્કૃતિક વિવિધતાની તુલના રશિયા સાથે કરતા રાષ્ટ્રપતિ પુતિને રશિયન સભ્યતાની વિશિષ્ટતા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતની જેમ જ રશિયામાં પણ વિવિધ સમુદાયો અને વંશીય જૂથોને તેમના ધર્મો, પરંપરાઓ, ભાષાઓ અને આધ્યાત્મિક ઓળખ જાળવી રાખવાની સંપૂર્ણ તક મળી છે. પુતિને દાવો કર્યો કે રશિયન સભ્યતાએ ક્યારેય કોઈને બળજબરીથી વશમાં રાખ્યા નથી કે કોઈની ઓળખ છીનવી નથી, પરંતુ દરેક સમુદાયને પોતાની આગવી ઓળખ સાથે વિકસવાની તક આપી છે—અને આ જ બાબત ભારત અને રશિયા જેવી પ્રાચીન સભ્યતાઓને વિશ્વમાં અલગ અને અનોખી બનાવે છે.

(6:32 PM IST)