<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

હોર્મુઝ પર મહાસત્તાઓની ખેંચતાણ: ઈરાનની શરતો સામે ટ્રમ્પ અડગ : વૈશ્વિક તેલ સપ્લાય પર સંકટના વાદળો!

વિશ્વની ૨૦ ટકા તેલ જરૂરિયાત પૂરી પાડતા વ્યૂહાત્મક જળમાર્ગને ખોલવા ઈરાને નૌકાદળની નાકાબંધી હટાવવા અને પ્રતિબંધો હળવા કરવાની માંગ મૂકી : બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ હથિયારો રોકતા કાયમી કરાર વિના નમતું જોખવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો

તેહરાન :  મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા અને વધતા તણાવ વચ્ચે વિશ્વની ઊર્જા સુરક્ષાની જીવાદોરી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પરનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો આશરે ૨૦ ટકા હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર હાલ જહાજોની અવરજવર ખોરવાયેલી છે અને તેલ-ગેસ ટેન્કરો પર હુમલાના અહેવાલોથી વૈશ્વિક બજારમાં ફફડાટ ફેલાયો છે. આ કટોકટી વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ શનિવારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો અમેરિકા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઈરાનની વાજબી શરતો સ્વીકારે, તો હોર્મુઝ સ્ટ્રેટને ગણતરીના કલાકોમાં ફરીથી ખોલવું બિલકુલ મુશ્કેલ નથી. અરાઘચીએ વોશિંગ્ટન પર પ્રહાર કરતા કહ્યું કે કટોકટીના ઉકેલ માટે અમેરિકાએ પોતાની ભૂલો સ્વીકારવી પડશે અને ભૂતકાળના વચનો નિભાવવા પડશે.

ઈરાન દ્વારા રજૂ કરવામાં આવેલા સાત દિવસના પ્રસ્તાવમાં મુખ્યત્વે ત્રણ મોટી શરતો મૂકવામાં આવી છે, જેના બદલામાં તેહરાન આ દરિયાઈ માર્ગ પરથી અવરોધો હટાવવા તૈયાર છે. ઈરાનની માંગ છે કે અમેરિકા સૌપ્રથમ હોર્મુઝની આસપાસના ઈરાની બંદરો પર લગાવેલી નૌકાદળની નાકાબંધી (Naval Blockade) હટાવે, ઈરાની તેલના વેચાણ પરના આકરા પ્રતિબંધો હળવા કરે અને લેબનોન સહિત સમગ્ર ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષમાં કાયમી યુદ્ધવિરામ લાગુ કરે. હાલમાં કતાર અને પાકિસ્તાન જેવા દેશોની મધ્યસ્થી દ્વારા બંને દેશો વચ્ચે પડદા પાછળ પ્રસ્તાવોની આપ-લે થઈ રહી છે, પરંતુ ઈરાનને એ વાતની ખાતરી જોઈએ છે કે માર્ગ ખોલ્યા બાદ અમેરિકા ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ નહીં કરે.

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની આ શરતોને ફગાવી દઈને આક્રમક વલણ અપનાવ્યું છે. ફોક્સ ન્યૂઝ સાથેની એક ખાસ મુલાકાતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેહરાન સાથે હવે કોઈ કામચલાઉ સમાધાન નહીં થાય, પરંતુ એક એવો 'કાયમી કરાર' થશે જે ઈરાનને હંમેશા માટે પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ઈરાનનો ઇતિહાસ કરારો કરીને તેને તોડવાનો રહ્યો છે, અને દાવો કર્યો કે અમેરિકી નૌકાદળનું હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ છે. હાલમાં અમેરિકી યુદ્ધજહાજો દ્વારા ઈરાની બંદરોની નાકાબંધી યથાવત રાખવામાં આવી છે, જેના કારણે બંને મહાસત્તાઓ વચ્ચેની આ જીદ વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઈલના ભાવ માટે મોટું જોખમ ઊભું કરી રહી છે.

(6:40 PM IST)