તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ચીન સરહદે વસતા ખેડૂતો માટે અમિતભાઈ શાહનો મોટો નિર્ણય : સેના હવે સ્થાનિક ખેડૂતો અને સહકારી મંડળીઓ પાસેથી માલ ખરીદશે:
અરુણાચલના ૪૦ સરહદી ગામોમાં ફરી વસતી વધવા લાગી : ૫,૬૧૦ કરોડથી વધુનાં વિકાસકાર્યો : આપત્તિ બચાવ દળની ૧૨મી બટાલિયનનું નવું સંકુલ

ઇટાનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અરુણાચલ પ્રદેશના સરહદી ગામોના વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે સેના અને ભારત-તિબેટ સરહદ પોલીસ દળ સ્થાનિક ખેડૂતો તથા સહકારી સંસ્થાઓ પાસેથી જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદે તે માટે સૂચના આપવામાં આવી છે.
અરુણાચલ પ્રદેશમાં સહકાર સંમેલનને સંબોધતાં શાહે જણાવ્યું કે અગાઉ સુરક્ષા દળો પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ તેજપુર અને ગુવાહાટી જેવા શહેરોમાંથી મેળવતા હતા. હવે સરહદી ગામોની સહકારી સંસ્થાઓ પાસેથી ખરીદી કરવાથી સ્થાનિક ખેડૂતોની આવક વધશે.
શાહે જણાવ્યું કે રાજ્યના ચીન સરહદ નજીકનાં ૪૦ ગામોમાં વસતી વધવા લાગી છે. વીજળી, પીવાનું પાણી, આરોગ્ય અને રોજગારીની સુવિધાઓમાં સુધારાને કારણે સ્થળાંતર કરેલા લોકો ફરી પોતાના ગામોમાં પરત આવી રહ્યા છે.
આ પ્રસંગે રાજ્યમાં કુલ ૫,૬૧૦.૯૫ કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનો પ્રારંભ કરવાની જાહેરાત કરાઈ હતી. તેમાં શિક્ષણ માટે ૧,૫૦૦ કરોડ, વીજળી માટે ૨,૦૦૦ કરોડ અને ગ્રામીણ માર્ગવિકાસ માટે ૨,૦૦૦ કરોડની યોજનાઓનો સમાવેશ થાય છે.
રાજ્યના ૧૧ સરહદી જિલ્લાઓમાં ૧૧૦.૯૫ કરોડ રૂપિયાના ખર્ચે ૧૯૯ વિકાસકાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે. શાહના કાર્યક્રમમાં હોલોંગી ખાતે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળની ૧૨મી બટાલિયનના સંકુલના ઉદ્ઘાટનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
શાહે સરહદી ગામોને દેશનાં છેલ્લાં નહીં પરંતુ પ્રથમ ગામ ગણાવવાની કેન્દ્ર સરકારની નીતિ ઉપર ભાર મૂક્યો હતો.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
